જામનગર, 15 નવેમ્બર, 2026 : Fake milk racket busted in Haripar Mewasa village of Kalavad રાજ્યમાં નકલી દૂધનો કાળો કારોબાર વધતો જાય છે. ત્યારે ફુડ વિભાગ ઉપરાંત પોલીસ પણ સક્રિય બની છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે બાતમીને આધારે સ્પેશિયલ ઓપરેશનલ ગૃપ (SOG) પોલીસે દરોડો પાડીને નકલી દૂધ બનાવવાનો કારોબાર પકડી પાડ્યો હતો. પોલીસની ટીમે 486 લિટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધનો પાવડર કબજે કર્યો હતો.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે રબારીવાસમાં રહેતા મેરૂ વંશ પોતાના મકાનમાં ભેળસેળયુક્ત દૂધ બનાવે છે. તેવી બાતમીને આધારે સ્પેશિયલ ઓપરેશનલ ગૃપ (SOG) પોલીસે દરોડો પાડ્યો હતો.
રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ SOGના PI વી.જે. રાઠોડ તથા PSI એલ.એમ. ઝેર અને એ.વી. ખેરની ટીમ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન SOGના જવાનો બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા અને નરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે દરોડો પાડીને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. SOG દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ દૂધના નમૂના લઈ સીલ કરીને કબજે કર્યા હતા, ત્યારબાદ શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને મેરૂ વંશ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








