Homerevoinewsમુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણી

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૨૨૮૩.૯૭ કરોડના વિકાસકાર્યોની ભેટ
  • પહેલા આદિજાતિ સમાજ માત્ર ગામ સુધી પાકા રસ્તાઓની માંગણી કરતો હતો, તે વિસ્તારો આજે હાઇસ્પીડ કોરિડોરથી જોડાઈ રહ્યા છે
  • રાજ્યભરમાં ૮૬ સ્થળોએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી; ઉમરગામથી અંબાજી સુધીના ૧.૧૧ કરોડથી વધુ આદિવાસી બાંધવોના વિકાસ માટે સરકાર કટિબદ્ધ: મંત્રી શ્રી નરેશભાઈ પટેલ

છોટાઉદેપુર, 15 નવેમ્બર, 2026 – Janjatiya Gaurav Divas ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે છોટા ઉદેપુરની ધરતી પરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને વંદન કરીને સૌને ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની શુભકામનાઓ પાઠવી હતી.

State-level celebration of Janjatiya Gaurav Divas held in Chhota Udepur in the presence of the Chief Minister
State-level celebration of Janjatiya Gaurav Divas held in Chhota Udepur in the presence of the Chief Minister

આદિજાતિ જિલ્લા છોટાઉદેપુર ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થઈને સમારંભને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી વીરોના બલિદાન અને અમૂલ્ય યોગદાનને દેશ સમક્ષ ઉજાગર કરવાનું ઐતિહાસિક કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વર્ષ-૨૦૦૭ માં શરૂ થયેલી ‘વનબંધુ કલ્યાણ યોજના’ આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે માઈલસ્ટોન સાબિત થઈ છે અને હવે આગામી પાંચ વર્ષમાં જનજાતીય ક્ષેત્રો મેટ રૂ. ૨ લાખ કરોડના વિકાસકામોનું આયોજન હાથ ધરાયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતીય ક્ષેત્ર અને આદિવાસીઓના સર્વાંગી વિકાસનું બીડું ઝડપ્યું છે. ભૂતકાળમાં જેને કોઈ પૂછતું નહોતું તેને પૂજવાનું કામ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, તેમ ગર્વભેર જણાવી મુખ્યમંત્રી શ્રી પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૨૩૧ કરોડના વિકાસકામો અને વ્યક્તિગત લાભો આપી સામાજિક-આર્થિક દિશામાં નવું કદમ ઉઠાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભગવાન બિરસા મુંડાના જીવન ઉપર બનશે ફિલ્મ, 18 ભાષાઓમાં વિશ્વભરમાં થશે રિલીઝઃ જુઓ VIDEO

આદિજાતિ વિસ્તારોના શૈક્ષણિક અને આરોગ્ય વિષયક પરિવર્તનનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે આદિવાસી પટ્ટામાં ૧૨ સાયન્સ કોલેજો, ૨ યુનિવર્સિટી, ૧૨ મેડિકલ કોલેજો અને ૫૭ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ કાર્યરત છે. સાથોસાથ ૨૨,૫૦૦ થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ તથા ૧૮,૮૦૦ થી વધુ વન અધિકાર પત્રો એનાયત કરીને આદિવાસી યુવાનો અને પરિવારોને સશક્ત બનાવવામાં આવ્યા છે.

આ પ્રસંગે આદિવાસી મહિલાઓ અને સ્થાનિક કારીગરોની આજીવિકા વધારવા માટે ‘શબરી બુથ’ અને ‘જોહાર કાફે’ની નવતર પહેલનો પ્રારંભ કરવામાં આવ્યા હતો. છોટા ઉદેપુરને ‘સ્પોર્ટ્સ અને ફૂડ પ્રોસેસિંગ હબ’ તરીકે વિકસાવી સ્થાનિક રોજગારીના નવતર દ્વાર ખોલવામાં આવશે, જેથી સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પહેલ વર્ષ-૨૦૪૭ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાયાનો પથ્થર બનશે.

State-level celebration of Janjatiya Gaurav Divas held in Chhota Udepur in the presence of the Chief Minister
State-level celebration of Janjatiya Gaurav Divas held in Chhota Udepur in the presence of the Chief Minister

ધરતી આબા ભગવાન બિરસા મુંડાના ક્રાંતિકારી યોગદાનને યાદ કરતા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, એક મહાન સ્વાતંત્ર્ય સેનાની અને રક્ષક તરીકે ભગવાન બિરસા મુંડાએ આપેલું બલિદાન અવિસ્મરણીય છે. નવી પેઢી તેમના વિચારો અને આદર્શોમાંથી પ્રેરણા મેળવે તે અત્યંત જરૂરી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. ૧૫મી નવેમ્બર ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ પ્રસંગે મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના નાગરિકો માટે કુલ રૂ. ૨૨૮૩.૯૭ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રી આલોકકુમાર પાંડેએ સૌનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.

નૂતન વર્ષના આ પર્વ નિમિત્તે અપાયેલી આ વિકાસલક્ષી ભેટમાં આદિજાતિ વિકાસ વિભાગ ઉપરાંત પાણી પુરવઠા, સિંચાઈ, માર્ગ-મકાન, શિક્ષણ, આરોગ્ય, પશુચિકિત્સા, વન અને પર્યાવરણ તથા પંચાયત વિભાગના પ્રજાલક્ષી કામોનો સમાવેશ થાય છે. તદુપરાંત, રાજ્યના ૧૮,૮૨૮ લાભાર્થીઓને વન અધિકાર પત્રોની મંજૂરી તથા રૂ. ૧૦૧૭ કરોડના વિકાસકાર્યો સહિતના અન્ય પ્રગતિલક્ષી પ્રકલ્પોની ભેટ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, આદર્શ નિવાસી શાળા, છાત્રાલય, એકલવ્ય મોડેલ સ્કૂલ અને ન્યૂ ગુજરાત રેસિડેન્શિયલ સ્કૂલ જેવા શૈક્ષણિક માળખાકીય કાર્યો તેમજ શબરી બુથ અને જોહાર કાફેના આયોજનનો પણ આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીઃ અમદાવાદ જિલ્લામાં ‘જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

રાજ્યકક્ષાના સમારોહમાં લોકસભાના સાંસદશ્રી જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ ડો. મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય સર્વ શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, શ્રી જયંતિભાઈ રાઠવા, શ્રી અભેસિંહ તડવી, પૂર્વ સાંસદશ્રી નારણભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, આદિજાતિ વિકાસ વિભાગના નિયામકશ્રી રચિત રાજ, જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઓમકારસિંહ શિંદે સહિત સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં આદિજાતિ ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.

ભગવાન બિરસા મુંડા સર્કલથી એસ. એન. કોલેજના ગ્રાઉન્ડ સુધી મુખ્યમંત્રીશ્રીનો ભવ્ય રોડ-શો

State-level celebration of Janjatiya Gaurav Divas held in Chhota Udepur in the presence of the Chief Minister

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જાહેર સભાને સંબોધતા પહેલા નગરના ભગવાન બિરસા મુંડા સર્કલથી એસ. એન. કોલેજના ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો.

આ ગૌરવવંતા અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવતા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ અંદાજે રૂ. ૩.૫ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલી કુલ ૬ અત્યાધુનિક મીની ફાયર ટેન્ડરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને પ્રકલ્પોની માહિતી આપતી પ્રદર્શનીને ખુલ્લી મૂકી હતી. આ પ્રદર્શની આગામી ૩ દિવસ સુધી નાગરિકો અને મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે, જેથી સ્થાનિક જનતા સરકાર દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન માટે અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણ યોજનાઓથી વિશેષ માહિતગાર થઈ શકે અને તેનો મહત્તમ લાભ મેળવી શકશે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img