અમદાવાદ, 4 ઓક્ટોબર, 2026 : AMC issues notice to 290 residents living illegally in EWS housing શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝૂંપડાંવાસીઓ અને શહેરી ગરીબોને જુદા જુદા વિસ્તારોમાં ડ્રો કરીને EWS આવાસો ફાળવવામાં આવ્યા છે. પરંતુ જે આવાસો ફાળવ્યા છે. એમાં મુળ અરજદારને બદલે અન્ય લોકો રહેતા હોવાથી ફરિયાદ ઊઠતા એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. શહેરના વિવિધ ઝોનમાં કુલ 13,779 EWS આવાસોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 290 મકાનોમાં મુળ અરજદારને બદલે ગેરકાયદે અન્ય લોકો રહેતા હોવાની બાબત ધ્યાનમાં આવતા સંબંધિત મકાનમાલિકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ મળ્યાના એક સપ્તાહમાં જરૂરી પુરાવા રજૂ કરી સ્પષ્ટતા કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 43 EWS આવાસ સીલ કરવામાં આવ્યા છે.
એએમસીને એસ્ટેટ વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 5,938 EWS આવાસોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 281 મકાનોના માલિકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જોકે, આ ઝોનમાં કોઈ આવાસ સીલ કરવામાં આવ્યુ નથી. જ્યારે પૂર્વ ઝોનમાં 2,551 આવાસોની તપાસ દરમિયાન 7 નોટિસ અને 15 સીલિંગની કાર્યવાહી થઈ છે. પશ્ચિમ ઝોનમાં 721 મકાનોની તપાસ કરીને 15 આવાસ સીલ કરાયા છે. દક્ષિણ ઝોનમાં 779 આવાસની તપાસ દરમિયાન 9 મકાન સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 459 મકાનોની તપાસમાંથી 2 નોટિસ અને 4 મકાનો સીલ કરાયા છે. ઉત્તર ઝોનમાં 3,314 તથા મધ્ય ઝોનમાં 17 મકાનોની તપાસ કરવામાં આવી હતી, પરંતુ બંને ઝોનમાં નોટિસ કે સીલિંગની કાર્યવાહી થઈ નથી.
સૂત્રોના કહેવા મુજબ મ્યુનિના એસ્ટેટ વિભાગે તપાસેલા 13,779 આવાસોમાંથી આશરે 7,000 મકાનો ત્રણથી ચાર મહિના પહેલાં જ ફાળવવામાં આવ્યા છે. આ નવા ફાળવાયેલા મકાનોની તપાસમાં કોઈ વાંધાજનક બાબત મળી નથી. દરમિયાન અગાઉ સીલ કરવામાં આવેલા 14 આવાસોમાંથી 12 મકાનોનો સાત વર્ષનો લોક-ઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો છે. હવે આ મકાનો અંગે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


