અમદાવાદ, 1 ઓક્ટોબર, 2026 : Mosquito-borne epidemic worsens, 660 cases of dengue reported શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. ફીવર, શરદી, ઉધરસના દર્દીઓની ખાનગી અને સરકારી દવાખાનામાં લાઈનો જોવા મળી રહી છે. મ્યુનિના હેલ્થ કેન્દ્રોમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 660 જેટલા કેસ નોંધાયા છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. રોગચાળા બાબતે કોઈપણ ફરિયાદ હોય તો નાગરિકો 155303 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.જ્યાં પણ પાણી ભરાયું હોય અને મચ્છરના પોરા હોય તો તેને નાશ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓને પણ જ્યાં પણ પાણી ભરાયું હોય અથવા તેમના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ હોય તો એએમસીના હેલ્થ વિભાગને જાણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં મહિનામાં 30 દિવસમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 660 જેટલા કેસ જ્યારે 103 મેલેરિયાના 38 જેટલા કેસ નોંધાયા છે તેમજ ઝેરી મેલેરિયાના 72 જેટલા કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 194, ટાઈફોઈડના 236 અને કમળાના 68 જેટલા કેસ નોંધાયા છે. 6585 પાણીના નમુના લેવામાં આવ્યા હતા જેમાં 19 જેટલા નમુના ફેલ થયા છે.


