જુનાગઢ, 1 ઓક્ટોબર, 2026 : Rain falls in Junagadh and Talala areas ગુજરાતમાં મેઘરાજા વિદાય લઈ રહ્યા છે, ત્યારે જ સૌરાષ્ટ્રના સોરઠ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથના તાલાલામાં બુધવારે બપોર બાદ વરસાદ પડ્યો હતો. તાલાલા શહેર, ગીર અને આંકોલવાડી સહિતના વિસ્તારોમાં અચાનક બદલાયેલા વાતાવરણમાં બપોરે સાડા ત્રણ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી વહેતા થયા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે સોરઠ પંથકમાં વરસાદી માહોલ સર્જાતા જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લાના માળીયા હાટીના, કેશોદ અને વિસાવદરમાં લાંબા વિરામ બાદ આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા. માળીયા હાટીનાના અમરાપુર, તરસિંગડા, વિરડી અને માતરવાણીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે કેશોદના અજાબ, શેરગઢ તેમજ આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વિસાવદરના પિયાવા, સતાધાર, સરસાઈ, મોણીયા અને કાલસારી સહિત આજુબાજુના તમામ ગામમાં વરસાદ વરસ્યો હતો.
ગુજરાતની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે આજે 1 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમની રહેશે. દરમિયાન નલિયાથી ડીસા સુધીના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને આગામી 2થી 3 દિવસમાં રાજ્યના વધુ કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.


