Homeગુજરાતીદેશ-વિદેશભારતને બદનામ કરવાથી સત્તા નહીં મળે, કોંગ્રેસે હજુ 30 વર્ષ રાહ જોવી...

ભારતને બદનામ કરવાથી સત્તા નહીં મળે, કોંગ્રેસે હજુ 30 વર્ષ રાહ જોવી પડશે: અમિત શાહ

પુણે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રના પુણે ખાતેથી લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. પુણેમાં નેશનલ હેવી એન્જિનિયરિંગ કોઓપરેટિવના શિલાન્યાસ કાર્યક્રમ બાદ સંબોધન કરતાં અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડવાનું કામ કરી રહ્યા છે. અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને બદનામ કરવાથી સત્તા પ્રાપ્ત થતી નથી અને જો કોંગ્રેસનું આ જ વલણ ચાલુ રહેશે તો પાર્ટીએ સત્તામાં આવવા માટે આગામી 30 વર્ષ સુધી રાહ જોવી પડશે.

હૈદરાબાદમાં તેલંગાણાની કોંગ્રેસ સરકાર દ્વારા આયોજિત ‘ભારત સમિટ’માં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર પલટવાર કરતાં અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે કાર્યક્રમનું નામ તો દેશના નામ પર રાખ્યું છે, પરંતુ ત્યાં દેશની લોકશાહી સંસ્થાઓ અને વિકાસ ગાથા વિરુદ્ધ વાતો કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ હૈદરાબાદમાં રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિપક્ષ વડાપ્રધાન મોદીને સત્તા પરથી હટાવશે અને શાસક પક્ષમાં ડરનો માહોલ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા શાહે સવાલ કર્યો હતો કે, શું કોઈપણ રાજકીય પક્ષ વિદેશી મંચ પર પોતાના જ દેશ અને વડાપ્રધાનની બદનામીને યોગ્ય ઠેરવી શકે?

રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર કટાક્ષ કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ સલાહ આપી હતી કે, જો તેઓ ખરેખર સત્તામાં પાછા ફરવા માંગતા હોય, તો તેમણે વિદેશ પ્રવાસો બંધ કરીને ભારતના ગામડાઓમાં જવું જોઈએ અને જનતાની સમસ્યાઓ સમજવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશની જનતા ઈચ્છે છે કે રાહુલ ગાંધી જમીની સ્તરે કામ કરે, પરંતુ થોડા જ દિવસોમાં તેઓ ફરી વિદેશ પ્રવાસે ઉપડી જશે, અને આ રીતે તેમની સત્તા મેળવવાની મહત્વાકાંક્ષા ક્યારેય પૂરી થશે નહીં.

પોતાના સંબોધનમાં અમિત શાહે અગાઉની યુપીએ સરકાર અને વર્તમાન એનડીએ સરકારના કામકાજની સરખામણી પણ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના 10 વર્ષના શાસનમાં 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો થયા હતા, જેના કારણે જનતાએ તેમને સત્તા પરથી દૂર કર્યા હતા. તેનાથી વિપરીત, છેલ્લા 12 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો રેકોર્ડ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર મુક્ત રહ્યો છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાથી લઈને એરપોર્ટની સંખ્યા બમણી કરવા, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવા અને નવી શિક્ષણ નીતિ લાગુ કરવા જેવા અનેક ઐતિહાસિક કાર્યો થયા છે.

અંતમાં, અમિત શાહે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે ચૂંટણીમાં હાર-જીત પાર્ટીના નેતાઓના પ્રદર્શન પર આધારિત હોય છે. જો કોંગ્રેસ પોતાની નકારાત્મક રાજનીતિ અને દેશ વિરોધી નિવેદનબાજી નહીં છોડે, તો આગામી ત્રણ દાયકા સુધી તેમનો સત્તામાં આવવાનો વારો નહીં આવે. તેમણે મહારાષ્ટ્ર અને દેશના મતદારોને પણ અપીલ કરી હતી કે તેઓ ચૂંટણી સમયે આ બાબતોનો યોગ્ય જવાબ આપે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img