Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં ચાર શાળાઓના કેમ્પસમાં કોમર્શિયલ પ્રવૃતિ સામે તપાસના આદેશ

અમદાવાદમાં ચાર શાળાઓના કેમ્પસમાં કોમર્શિયલ પ્રવૃતિ સામે તપાસના આદેશ

અમદાવાદ, 1 ઓક્ટોબર, 2026 :  Inquiry ordered against commercial activities on campuses of four schools શહેરમાં શાળાઓના કેમ્પસ ભાડે આપીને કોમર્શિયલ પ્રવૃતિ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ લાલા આંખ કરી છે. દરમિયાન કોમર્શિયલ પ્રવૃતિ માટે શાળાનું કેમ્પસ ભાડે આપવામાં આવ્યું હોવાની ચાર જેટલી શાળાઓની ફરિયાદ મળતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ નિરીક્ષકને તપાસનો આદેશ આપ્યો છે. શહેરમાં સ્કૂલ સંચાલકો નવરાત્રી માટે સ્કૂલ કેમ્પસ ભાડે આપી દેતા હોય છે. ત્યારે  શાળાના કેમ્પસમાં ધંધાકીય પ્રવૃત્તિ ન કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે. જો અન્ય શાળામાં પણ નિયમોનું પાલન નહીં કરવામાં આવે સરકારની શરતોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવામાં આવતી હોય છે. પરંતુ નવરાત્રી નજીક આવતા કેટલીક શાળાઓએ કેમ્પસને કમાવવાનું સાધન બનવા દીધું છે. ચાર્જ લઈને શાળાના કેમ્પસમાં ગરબા કરાવતી શાળાઓની ફરિયાદ મળતા અન્ય શાળાઓને પણ તાકીદ કરવામાં આવી છે. શહેરની તમામ શાળાઓને કેમ્પસમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ન કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. કમાવવાની લ્હાયમાં શાળાનું કેમ્પસ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે જો શાળાઓ ભાડે આપશે તો નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તેમજ જે શાળાઓની ફરિયાદ મળી છે તેના તપાસ રિપોર્ટ બાદ તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરના મણિનગર વિસ્તારની જયમનબેન દવે અને શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલયમાં ફરિયાદ મળી હતી. જેમાં ગરબા ક્લાસિસ શાળાના કેમ્પસમાં ચલાવવામાં આવે છે. અને બહારના લોકો પાસેથી ચાર્જ લઈને ગરબાની પ્રેક્ટિસ શાળાના કેમ્પસમાં કરાવવામાં આવતી હતી. કોમર્શિયલ પ્રવૃતિ શાળામાં કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા શાળાને નોટિસ આપીને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે, તેમજ શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જેથી તપાસ અહેવાલ આવ્યા બાદ શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત  વધુ બે શાળા જેમાં ઘાટલોડિયા વિસ્તારની નાલંદા વિદ્યાલય અને શ્રેયસ ફાઉન્ડેશન નામની શાળાઓમાં પણ આ પ્રકારની પ્રવૃતિ કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી તેની ફરિયાદને પણ ધ્યાને શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કોમર્શિયલ પ્રવૃત્તિ માટે શાળા કેમ્પસનો ઉપયોગ કરી શકાય નહીં. શાળાના કેમ્પસમાં ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તે જરાય પણ યોગ્ય નથી. જેથી અન્ય શાળામાં પણ જો નિયમનું પાલન નહીં થતું હોય તો સરકારની જે શરતો છે તેના ભંગ બદલ શાળા સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular