અમદાવાદ, 16 ઓગસ્ટ, 2026 : 144 Class-1 officers transferred મુખ્યમંત્રીના અમેરિકાના પ્રવાસ પહેલા જ રાજ્યના 144 જેટલા ક્લાસ-1 અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડીને ચોટિલા પંથકમાં ધાક જમાવનારા પ્રાંત અધિકારી એચ.ટી મકવાણાની મહિસાગર જિલ્લામાં ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના કુલ 144 ક્લાસ-1 અધિકારીઓની સાગમટે બદલી કરી છે. મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી અને અન્ય વરિષ્ઠ વહીવટી અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલી તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
મહેસૂલ વિભાગના દ્વારા જાહેર થયેલા આ આદેશમાં વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 144 અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલીમાં સુરત, અમદાવાદ, મહેસાણા, કચ્છ, અમરેલી, વડોદરા, નવસારી, તાપી અને નર્મદા સહિત અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અનેક પ્રાંત અધિકારીઓ, ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીઓ અને ડેપ્યુટી કલેક્ટરોની પરસ્પર બદલી કરીને વહીવટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલાક અધિકારીઓને જિલ્લા વિકાસ સાથે જોડાયેલી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને મહાનગરપાલિકા અને જિલ્લા કચેરીઓમાં નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. રાજ્ય સરકારનો આ વહીવટી ફેરબદલ જિલ્લા સ્તરે કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. નવી પોસ્ટિંગ બાદ વિવિધ જિલ્લાઓમાં મહેસૂલી અને વહીવટી સેવાઓના સંકલનને વધુ મજબૂતી મળશે.
સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એચ.ટી.મકવાણાએ તાલુકામાં ચાલી રહેલી ગેરકાયદે ખાણો પર તવાઈ બોલાવી ચર્ચામાં આવ્યા હતા. જેઓની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

