અમદાવાદ, 16 ઓગસ્ટ, 2026 : 7 dead in separate drowning incidents રાજ્યમાં રવિવારના રજાના દિને પ્રવાસે તેમજ દર્શનાર્થે ગયેલા પરિવારજનો માથે કાળ ત્રાટક્યો હોય તેમ ડૂબી જવાના જુદા જુદા ત્રણ બનાવોમાં 6 માસુમ સહિત 7નાં મોત નિપજ્યા હતા. જેમાં સેલવાસમાં સેલ્ફી લેવાના ચક્કરમાં કિશોરી, આણંદના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં બે માસૂમ બાળકો અને રાજકોટ નજીક જન્મદિવસની ઉજવણી દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 4 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.
ડૂબી જવાની ઘટનામાં પ્રથમ બનાવની વિગત એવી છે કે, રવિવારે જાહેર રજાના દિવસે રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડી વાળા પીરની દરગાહ નજીક તળાવમાં નહાવા પડેલા રોણકી ગામના ત્રણ બાળક અને એક યુવાન સહિત ચારના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટનામાં 5 વર્ષીય બાળક ડૂબવા લાગતાં તેને બચાવવા ગયેલા અન્ય ત્રણ પણ પાણીમાં ડૂબી ગયા હતા. મૃતકમાં સગા ભાઈઓ સોહન સોરા (10 વર્ષ) અને સેફુ સોરા (5 વર્ષ) ઉપરાંત સાહિલ સોરા (18 વર્ષ) અને અલીફા સોરા (10 વર્ષ)નો સમાવેશ થાય છે. આ કરૂણ ઘટનામાં મૃતક સોહાનનો આજે જ જન્મદિવસ હતો, જે દિવસે જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ડૂબેલા તમામ બાળકો અને યુવાનને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાહિલને સિવિલ હોસ્પિટલમાં અને જ્યારે બાકી ત્રણેયને ઝનાના હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ચારેયને મૃત જાહેર કરાયા છે. ઝનાના હોસ્પિટલ પરિસરમાં મૃતકોના પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું.
ડૂબી જવાની ઘટનામાં બીજા બનાવની વિગત એવી છે કે, સેલવાસના દમણગંગા રિવરફ્રન્ટ પર રજા માણવા ગયેલા મસાટ ગામના પરિવારની 15 વર્ષીય કિશોરી કાજલકુમારી જિતેન્દ્ર રામ ચેકડેમ નજીક મોબાઈલથી સેલ્ફી લઈ રહી હતી. આ દરમિયાન અચાનક તે નદીના ઊંડા પાણીમાં પડી જવાથી ડૂબવા લાગી હતી. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોની બૂમાબૂમ વચ્ચે ફાયર બ્રિગેડ અને પોલીસે શોધખોળ આદરી હતી. રાત્રે અંધારું થઈ જતાં કામગીરી અટકી હતી, પરંતુ રવિવારે સવારે ફાયરની ટીમે કિશોરીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ચોમાસા દરમિયાન નદી કે દરિયા કિનારે જવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ હોવા છતાં બેદરકારી જીવલેણ સાબિત થઈ રહી છે.
ડૂબી જવાની ઘટનામાં ત્રીજા બનાવની વિગત એવી છે કે, આંકલાવ તાલુકાના ઉમેટા નજીક આવેલા ‘કામધેનુ રિસોર્ટ’ ખાતે વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી શનિ-રવિની રજાઓ માણવા આવેલા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. રિસોર્ટમાં રોકાયેલા પરિવારના બે નાના બાળકો રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં નહાવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારે તાત્કાલિક બાળકોને બહાર કાઢી પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

