સુરત, 16 ઓગસ્ટ, 2026 : Embroidery workers go on strike ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા સુરત શહેરમાં એમ્બ્રોઈડરીના પણ અનેક કારખાના આવેલા છે. અને એમ્બ્રોઈડરી યુનિટ્સમાં કામ કરીને અનેક કામદારો રોજી મેળવી રહ્યા છે. છેલ્લા ઘમા વખતથી કામદારો સપ્તાહમાં એક દિવસની રજા આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે રવિવારે વહેલી સવારથી હજારો કારીગરોએ એકસંપ થઈ હડતાળ પર જતા એમ્બ્રોઈડરીની કામગીરી ઠપ થઈ ગઈ હતી. કામદારોને મહિના દરમિયાન એકપણ નિયમિત રજા મળતી ન હોવાથી લાંબા સમયથી ભભૂકતો રોષ આજે આંદોલનના સ્વરૂપમાં બહાર આવ્યો હતો.
શહેરના અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ જીઆઇડીસી તેમજ સચિન જીઆઇડીસી સહિતના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોએ એકઠા થઈ એમ્બ્રોઈડરીના મશીનો સંપૂર્ણપણે બંધ કરાવી દીધા હતા. કારીગરોનું કહેવું છે કે સતત અવિરત કામના બોજ હેઠળ શારીરિક અને માનસિક થાક અનુભવાય છે, જેથી તેને અન્ય ક્ષેત્રોની જેમ દર રવિવારે ફરજિયાત સાપ્તાહિક રજા મળવી જ જોઈએ. હડતાળ પર ઉતરેલા કામદારોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી એસોસિએશન કે કારખાનેદારો રવિવારની સાપ્તાહિક રજા અંગે સત્તાવાર લેખિત નિર્ણય નહીં આપે, ત્યાં સુધી કામ પર પરત ફરશે નહીં. હજારો કારીગરોના આંદોલનથી શહેરના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉત્પાદન પર સીધી અસર પડવાની શક્યતા છે. કામદારોની હડતાળને લીધે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન વેદાંત ઇન્ડસ્ટ્રીઝ ખાતે કારીગરોના વિરોધ પ્રદર્શનને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સહિત ક્રાઇમ બ્રાન્ચ, SOG અને PCBની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિરોધ કરી રહેલા કારીગરો સાથે સીધી વાતચીત કરી મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
એમ્બ્રોઈડરી કામદારોની હડતાળના સુખદ ઉકેલ માટે પોલીસ અધિકારીઓ, વેપારીઓ અને કામદારો વચ્ચે મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ જ આખરી નિર્ણય લેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. ત્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કારીગરોને હાલ પૂરતી હડતાળ સમેટી લેવા અપીલ કરવામાં આવી છે.

