Homeગુજરાતીગુજરાતઅમદાવાદ : રસ્તા પર શાકભાજી-ફળો વેચનારા સામે હવે લારી-સામાન જપ્તીની કાર્યવાહી થશે

અમદાવાદ : રસ્તા પર શાકભાજી-ફળો વેચનારા સામે હવે લારી-સામાન જપ્તીની કાર્યવાહી થશે

અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2026: શહેરમાં ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર થઈ રહેલા ગેરકાયદે દબાણો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આકરા મૂડમાં આવી ગયું છે. દબાણ શાખાની વારંવારની કામગીરી છતાં સમસ્યા યથાવત રહેતાં, હવે નિયમોનું ઉલ્લંઘન કરનારા ફેરિયાઓની લારીઓ અને માલસામાન જપ્ત કરવા સુધીના સખત આદેશો જારી કરવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર અને રાહદારીઓ માટે અડચણરૂપ બનતા ફળ-શાકભાજીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને માત્ર નિયત સ્થળો અને માર્કેટમાં જ વેપાર કરવા તાકીદ કરાઈ છે.

અમદાવાદના 48 વોર્ડમાં દબાણો અટકાવવા અને ફેરિયાઓને વ્યવસ્થિત જગ્યા આપવાના હેતુથી બે વર્ષ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં વોર્ડદીઠ બે વેજીટેબલ માર્કેટ બનાવવાનો ઠરાવ કરાયો હતો. આ યોજના હેઠળ મનપાએ એક માર્કેટ પાછળ રૂ. 2 થી 3 કરોડ સુધીનો જંગી ખર્ચ કરીને અત્યાર સુધીમાં આશરે 70 જેટલા આધુનિક માર્કેટ તૈયાર કર્યા છે. આમ છતાં, મોટાભાગના ફેરિયાઓ આ માર્કેટમાં જવાને બદલે રોડ-રસ્તા પર જ વેચાણ કરતા હોવાથી કરોડોના ખર્ચે બનેલા વેન્ડર ઝોન ખાલીખમ પડ્યા છે, જ્યારે રસ્તાઓ પર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે.

ગુજરાત હાઈકોર્ટમાં રોડ પરના દબાણો અને ટ્રાફિક મુદ્દે ચાલી રહેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન પણ કોર્પોરેશનની ઢીલી નીતિ સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. અદાલતે રસ્તા પર બેસીને શાકભાજી વેચતા ફેરિયાઓ સહિત તમામ પ્રકારના દબાણો સત્વરે દૂર કરવા માટે કડક ટકોર કરી હતી.

કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પોલીસ બંદોબસ્ત સાથે સમજાવટથી ફેરિયાઓને તૈયાર કરાયેલા માર્કેટમાં ખસેડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ વારંવાર આપેલી આ સૂચનાઓની અવગણના થતાં હવે આકરા પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે. જો કોઈ ફેરિયા જાહેર રસ્તા કે ફૂટપાથ પર માલસામાન વેચતા ઝડપાશે તો તેને ગેરકાયદે દબાણ ગણીને સ્થળ પર જ લારી-માલસામાન જપ્ત કરવા ઉપરાંત કાયદાકીય ધોરણે આકરો દંડ વસૂલવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular