નવી દિલ્હી, 24 નવેમ્બર 2026: પાકિસ્તાન સ્થિત ગુપ્તચર ઓપરેટિવ્સ (પીઆઈઓ) ભારતીય સેના, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને નાગરિક સુરક્ષા સંગઠનોના 13 થી 14 અનૌપચારિક વોટ્સએપ ગ્રુપમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલો સામે આવ્યા બાદ હવે આ તમામ ગ્રુપ્સનું વ્યાપક સુરક્ષા ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘૂસણખોરીનો મામલો ગયા અઠવાડિયે ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક મહિલા પીઆઈઓએ ડીઆરડીઓ વૈજ્ઞાનિકની ખોટી ઓળખ આપીને એક વોટ્સએપ ગ્રુપમાં પ્રવેશ મેળવી સંવેદનશીલ સંરક્ષણ માહિતી સુધી પહોંચ બનાવી હતી.
અહેવાલ મુજબ, ગુપ્તચર એજન્સીઓ દ્વારા ચિહ્નિત કરાયેલા એક ગ્રુપમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના એક કર્મચારીના વૈજ્ઞાનિક તરીકે એક પીઆઈઓના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. ‘સોનિયા’ નામની એક મહિલા પીઆઈઓએ પોતે ડીઆરડીઓ વૈજ્ઞાનિક હોવાનો દાવો કરીને ‘ઓલ ઈન્ડિયા ડિફેન્સ સિવિલિયન મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પોસ્ટિંગ’ નામના વોટ્સએપ ગ્રુપમાં એન્ટ્રી મેળવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એક કર્મચારીએ પૈસાના બદલામાં પીઆઈઓને સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરી હતી. આ ગંભીર બાબતને લઈને ગયા અઠવાડિયે તમામ સંરક્ષણ અને સુરક્ષા એજન્સીઓને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી, જેમાં CRPF, BSF, SSB અને ITBP જેવા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોનો સમાવેશ થાય છે.
એડવાઈઝરી અનુસાર, પીઆઈઓએ નકલી અથવા કોમ્પ્રોમાઈઝ્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને આ વોટ્સએપ ગ્રુપ્સમાં અનધિકૃત પ્રવેશ મેળવ્યો છે અને તેઓ આ ગ્રુપ્સમાં ‘સાઈલેન્ટ મેમ્બર્સ’ (મૂક સભ્યો) તરીકે કામ કરી રહ્યા છે.
-
વોટ્સએપ વેબના ઉપયોગ અંગે કડક ચેતવણી
એડવાઈઝરીમાં કર્મચારીઓને સાયબર કાફે, પબ્લિક કિઓસ્ક, હોટલ બિઝનેસ સેન્ટર અથવા અન્ય કોઈના ઉધાર લીધેલા કમ્પ્યુટર પર વોટ્સએપ વેબનો ઉપયોગ ન કરવા માટે સખત ચેતવણી આપવામાં આવી છે. જ્યાં અસ્થાયી ધોરણે તેનો ઉપયોગ અનિવાર્ય હોય, ત્યાં વિશ્વસનીય કમ્પ્યુટર પર ‘ઈન્કોગ્નિટો’ અથવા ‘પ્રાઈવેટ બ્રાઉઝિંગ મોડ’ નો ઉપયોગ કરવા અને કામ પૂર્ણ થયા બાદ મેન્યુઅલી લોગઆઉટ કરવાની સલાહ આપવામાં આવી છે.
-
મેમ્બર લિસ્ટ ઓડિટ અને હાઈ એલર્ટ
મળતી માહિતી મુજબ, તમામ સશસ્ત્ર દળો અને સંબંધિત સંગઠનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓને શંકાસ્પદ અથવા કોમ્પ્રોમાઈઝ્ડ વોટ્સએપ ગ્રુપ્સમાંથી તાત્કાલિક બહાર નીકળી જવા સૂચના આપવામાં આવી છે. સાથે જ, ગ્રુપ એડમિનિસ્ટ્રેટર્સને પોતપોતાના ગ્રુપના સભ્યોની યાદીનું ઓડિટ કરવા અને અજાણ્યા તથા બિન-ચકાસાયેલા સભ્યોને તાત્કાલિક દૂર કરવાનો આદેશ અપાયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ અને સુરક્ષા કર્મચારીઓમાં આ પ્રકારના સાયબર હુમલા અંગે જાગૃતિ ફેલાવવા માટે આંતરિક સાયબર અવેરનેસ કેમ્પેઈન યોજવાનું પણ કહેવાયું છે. સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ મોબાઈલ નંબરો, યુઝર પ્રોફાઈલ અને ગ્રુપ્સની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.
હાલ ચાલી રહેલી તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય ખોટી ઓળખ સાથે ગ્રુપમાં ઘૂસેલા લોકોની ઓળખ કરવાનો, કયા કર્મચારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો તે શોધવાનો અને લીક થયેલી માહિતીના પ્રકારની ખરાઈ કરવાનો છે. તપાસ એજન્સીઓ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ડેટા લીક કરવાની આ પ્રવૃત્તિ ક્યારથી ચાલી રહી હતી અને તેની પાછળ કોઈ મોટું જાસૂસી નેટવર્ક સક્રિય છે કે કેમ.
સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ સૈનિકોની તૈનાતી, સૈન્યની હિલચાલ, સંવેદનશીલ સરહદી વિસ્તારો અને મહત્વપૂર્ણ સંરક્ષણ મથકો અંગેની ઝીણવટભરી માહિતી એકત્રિત કરવા માટે થઈ શકે છે.








