નવી દિલ્હી, 23 નવેમ્બર 2026: પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ મોટો રાજકીય દાવ ખેલતા શિરોમણી અકાલી દળને ફરીથી ગઠબંધનમાં સામેલ કરી લીધું છે. વર્ષ 2020માં બંને પક્ષોના રસ્તા અલગ થયા બાદ આ સૌથી મોટું રાજકીય જોડાણ છે. ગઠબંધનની જાહેરાત સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્યમાં NDAની સરકાર બનશે, તો મુખ્યમંત્રી અકાલી દળનો જ રહેશે. અમિત શાહે જણાવ્યું હતું કે પંજાબના રાજકારણમાં અકાલી દળ ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં રહેશે અને મોટા ભાઈ જ મુખ્યમંત્રી બને છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બંને પક્ષો સાથે મળીને રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.
ગઠબંધનમાં થયેલા વિલંબ અંગે સ્પષ્ટતા કરતા શાહે કહ્યું કે, “અમે લાંબા ગાળાનું ગઠબંધન ઈચ્છતા હતા. ઘણા વિષયો પર અમારા મતભેદો હતા, જેના પર ચર્ચા કરીને સર્વસંમતિ સાધવામાં આવી છે જેથી અમે સાથે મળીને લાંબી મજલ કાપી શકીએ.” પંજાબના ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, “અમારી સૌથી પહેલી પ્રાથમિકતા પંજાબને નશામુક્ત બનાવવાની છે. 31 ડિસેમ્બર 2029 સુધીમાં અમે પંજાબને સંપૂર્ણપણે નશામુક્ત કરી દઈશું.”
તેમણે માહિતી આપી હતી કે પંજાબના ખેડૂતોની સમસ્યાઓ, રાજ્યનો આર્થિક વિકાસ અને યુવાનોની રોજગારીના મુદ્દે સુખબીર સિંહ બાદલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન વચ્ચે ત્રણ મહિના સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ એક નક્કર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી NDA સરકાર આ જ રોડમેપ પર કામ કરશે. બીજી તરફ, સુખબીર સિંહ બાદલે પણ જણાવ્યું હતું કે તેમણે ગૃહમંત્રી અને ભાજપ નેતૃત્વ સાથે ખેડૂતોના દરેક મુદ્દા પર ચર્ચા કરી છે અને બંને પક્ષો સાથે મળીને તમામ સમસ્યાઓનો અંત લાવશે.
-
ટૂંક સમયમાં થશે બેઠકોની વહેંચણીની જાહેરાત
બેઠકોની વહેંચણી અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને જણાવ્યું હતું કે, “જ્યારે ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે અકાલી દળ મોટા ભાઈની ભૂમિકામાં રહેશે અને આ એક સ્વાભાવિક ગઠબંધન છે, ત્યારે અમે તમામ 117 બેઠકો પર પૂરી તાકાતથી લડીશું. બેઠકોના ગણિતનો નિર્ણય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.”
અમિત શાહે પંજાબની વર્તમાન આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કરતા તેને ‘વાદાખિલાફી કરનારી સરકાર’ ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે AAP સરકારે પોતાનું એક પણ વચન પૂરું કર્યું નથી અને પંજાબની જનતા ગુરુઓનું અપમાન કરનારાઓને ક્યારેય સાંખી લેશે નહીં. ભાજપ અને અકાલી દળના સાથે આવવાથી રાજ્યમાં પરિવર્તન નિશ્ચિત હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત, કરતારપુર સાહિબ કોરિડોર અંગે બોલતા શાહે જણાવ્યું હતું કે, “આ યાત્રાની શરૂઆત મોદી સરકારે જ કરી હતી. ‘ઓપરેશન સિંદૂર’ બાદ આ કોરિડોર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ જેવો સાનુકૂળ માહોલ બનશે કે તરત જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે.”








