નવી દિલ્હી, 21 નવેમ્બર 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઓછી વ્યાજ દરો અને મજબૂત આર્થિક વૃદ્ધિ માટે પ્રશંસા કરી છે. યુએસ ફેડરલ રિઝર્વની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે, મજબૂત આર્થિક કામગીરી હોવા છતાં ઊંચા વ્યાજ દરો જાળવી રાખવા તે અમેરિકી અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. એશિયાની ચાર દિવસીય યાત્રા પરથી પરત ફર્યા બાદ, વોશિંગ્ટનમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે આ સરખામણી કરી હતી અને તેમાં ભારતનું ઉદાહરણ આપ્યું હતું.
ભારતના આશરે સાત ટકાના આર્થિક વિકાસ દરનો ઉલ્લેખ કરતા તેમણે સૂચવ્યું કે, જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરો ઊંચા રાખવાને બદલે ઉધાર લેવાનો ખર્ચ ઘટાડે, તો હાલમાં લગભગ ચાર ટકાના દરે વિકસી રહેલી અમેરિકી અર્થવ્યવસ્થાનો વિકાસ દર વધીને 14 થી 20 ટકાની વચ્ચે પહોંચી શકે છે.
ટ્રમ્પે ફેડરલ રિઝર્વની ટીકા કરી, કારણ કે તેણે નાણાકીય નીતિમાં રાજકીય અભિગમ અપનાવ્યો છે અને મજબૂત આર્થિક સંકેતો હોવા છતાં ઉધાર લેવાની કિંમત (વ્યાજ દર) ઊંચી રાખી છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં દાવો કર્યો હતો કે વ્યાજ દરોમાં એક ટકાનો ઘટાડો દેશને દેવાની ચુકવણીમાં 650 અબજ ડોલરની બચત કરાવી શકે છે. તેમણે ઉત્પાદન ક્ષેત્રમાં વધી રહેલા રોકાણ તરફ પણ ધ્યાન દોર્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે કારખાનાઓમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ સતત દસ મહિનાથી વધી રહી છે અને આ વર્ષે નવા સાધનોમાં રોકાણમાં 21 ટકાનો વધારો થયો છે. તેમણે અર્થતંત્રમાં સુધારાના સંકેત તરીકે તેલ અને ગેસોલિનના ઘટતા ભાવોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પેટ્રોલના ભાવ અમુક અંશે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેના સંભવિત કરાર પર આધારિત હોઈ શકે છે.
યુ.એસ. ફેડરલ રિઝર્વ ફુગાવા અને રોજગારી સહિતની આર્થિક પરિસ્થિતિઓના આધારે વ્યાજ દરો નક્કી કરે છે. તેનો ઉદ્દેશ્ય ભાવ સ્થિરતા જાળવી રાખવાનો અને મહત્તમ રોજગારીને પ્રોત્સાહન આપવાનો છે.
વધુ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાની બોલરનો ઐતિહાસિક કારનામો, મિચેલ સ્ટાર્કને છોડ્યા પાછળ








