Homeગુજરાતીગુજરાતચોમાસાની વિદાય ટાણે મેઘરાજાની ફરી એન્ટ્રી: આગામી ૩ દિવસ વરસાદની આગાહી

ચોમાસાની વિદાય ટાણે મેઘરાજાની ફરી એન્ટ્રી: આગામી ૩ દિવસ વરસાદની આગાહી

અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 810 મિમી નોંધાયો છે. આગામી 1 ઓક્ટોબરે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની શક્યતા હોવાથી ખેડૂતોમાં મેઘમહેરની આશા જાગી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી ત્રણ દિવસ મિશ્ર ઋતુના માહોલ વચ્ચે હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય ભાગોમાં હવામાન સૂકું રહેશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાક અને મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનો અંદાજ છે.

30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ વરસાદનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, વાવ અને થરાદ; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. 1 ઓક્ટોબરે રાજ્યમાં વ્યાપકપણે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. જોકે, આ મિની વરસાદી રાઉન્ડ બાદ આગામી 7 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular