હેમંત પરમાર દ્વારા
democracy આજકાલ ચૂંટણી પંચ અને ખાસ કરીને ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારનું નામ સાંભળતાં જ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીનો પિત્તો સાતમા આસમાને પહોંચી જાય છે. સંસદથી લઈને સોશિયલ મીડિયા અને શેરી-ગલીઓની સભાઓ સુધી એક જ રટણ સાંભળવા મળે છે કે “ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી, સ્વાયત્ત સંસ્થાઓ વેચાઈ ગઈ છે અને દેશમાં લોકશાહી ખતરામાં છે.” પરંતુ રાજકારણના ઈતિહાસનાં પાનાં ઉથલાવીએ ત્યારે સવાલ એ થાય કે, રાહુલ ગાંધી જે આદર્શ લોકશાહીની દુહાઈ આપે છે તે ખરેખર કેવી હતી? શું રાહુલ બાબા ભૂલી ગયા છે કે તેમની પોતાની પાર્ટીના શાસનમાં ચૂંટણીપંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે કેવા કેવા “અદભુત પ્રયોગો” થતા હતા?
તે દિવસોની અનોખી પારદર્શિતા, ગુપ્તતા વગરનું મતદાન
ભારતમાં કોંગ્રેસના એ સુવર્ણકાળમાં લોકશાહી એટલી હદે મુક્ત અને પારદર્શક માનવામાં આવતી હતી કે મતદાનમાં કોઈ નિયમો કે ગુપ્તતાની ઝંઝટ જ નહોતી. એ જમાનામાં તો એવી ઉદારતા હતી કે ચૂંટણી લડતો ઉમેદવાર મતદાન મથકમાં આરામથી ઊભો રહે અને તેની સાથે આવેલા દેશી-વિદેશી મહેમાનો પણ હસતાં-રમતાં, કોઈ પણ ખચકાટ કે ઓળખપત્ર વગર બેલેટ પેપરમાં સિક્કા મારી દેતા. કોઈ ગુપ્તતા નહીં, કોઈ કાયદાનો ડર નહીં, બસ ખુલ્લેઆમ લોકશાહી.
બૂથ કેપ્ચરિંગ એ તો જાણે ભારતીય ચૂંટણીઓનો રોમાંચક તહેવાર ગણાતો હતો. આખા ને આખા બેલેટ બોક્સ કૂવામાં ફેંકી દેવા કે લૂંટીને ભાગી જવું એ તો સામાન્ય વાત હતી. જો આને જ કોંગ્રેસ સાચી લોકશાહી માનતી હોય, તો ચોક્કસપણે મોદી સરકાર અને આજના ચૂંટણીપંચે આવી મહાન લોકશાહીની હત્યા કરી નાખી છે, કારણ કે હવે વિદેશી તો શું, એક સાદો નકલી મતદાર પણ બૂથ પર જતાં સો વાર વિચારે છે.
જ્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નરને જ મંત્રી બનાવી દેવાયા હતા
સંસ્થાઓની સ્વાયત્તતા પર ભાષણ આપતા રાહુલ ગાંધી કદાચ એ ભૂલી ગયા છે કે ચૂંટણી પંચને પોતાની જાગીર કોણે બનાવી રાખી હતી. ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એમ.એસ. ગિલ નિવૃત્ત થયા બાદ સીધા જ કોંગ્રેસમાં જોડાયા, રાજ્યસભાના સાંસદ બન્યા અને મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય રમતગમત મંત્રી પણ બન્યા હતા. બંધારણીયપદ પર બેઠેલી વ્યક્તિને સત્તાની આવી ખુલ્લી લ્હાણી કરવાની “નૈતિકતા” માત્ર કોંગ્રેસ પાસે જ હતી. આજે ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર નિયમ મુજબ કામ કરે છે તો રાહુલ ગાંધીને મરચાં લાગે છે, પરંતુ પોતાના શાસનમાં બંધારણીય હોદ્દાઓની જે લિલામી થતી હતી તેના પર તેઓ રહસ્યમય મૌન સેવી લે છે.
તકલીફ ઈવીએમ કે પંચથી નથી, સિસ્ટમ બંધ થવાથી છે
આજે જ્યારે બૂથ પર સીસીટીવી કેમેરા લાગી ગયા છે, ઈવીએમ અને વીવીપેટ મશીનોથી વોટિંગ થાય છે, પેપર બેલેટના ગોટાળા બંધ થઈ ગયા છે અને બોગસ વોટિંગ પર અંકુશ લાગી ગયો છે ત્યારે કોંગ્રેસને લાગે છે કે દેશનું તંત્ર બગડી ગયું છે.
હકીકતમાં રાહુલ ગાંધીનો આક્રોશ ચૂંટણી પંચ કે જ્ઞાનેશ કુમાર સામે નથી, પરંતુ એ જૂની સિસ્ટમ બંધ થઈ જવા સામેનો છે જ્યાં ચૂંટણી જીતવા માટે જનતાના સમર્થન કરતાં સરકારી મશીનરીનો દુરુપયોગ વધુ કારગત નીવડતો હતો. જ્યારે ચૂંટણીપંચ પારદર્શક રીતે પરિણામો આપે છે અને તેમાં જનતા કોંગ્રેસને જાકારો આપે છે, ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ચૂંટણી કમિશ્નર પર તૂટી પડવું એ રાહુલ ગાંધીની જૂની અને જાણીતી રાજકીય રણનીતિ બની ગઈ છે.
રાહુલ ગાંધીએ સમજવાની જરૂર છે કે જમાનો બદલાઈ ગયો છે. હવે દેશ બેલેટ પેપર લૂંટના યુગમાંથી બહાર આવીને ટેકનોલોજી અને પારદર્શિતાના યુગમાં પ્રવેશી ચૂક્યો છે. જો પારદર્શક ચૂંટણીઓ થવી એ જ રાહુલ ગાંધીની નજરમાં લોકશાહીની હત્યા હોય, તો ભારતીય જનતા આવી હત્યા વારંવાર જોવા તૈયાર છે.


