નવસારી, 29 સપ્ટેમ્બર, 2026 : Audi car hits middle-aged man at full speed, kills him શહેરના એરૂ ક્રોસ રોડ પર ગત રાત્રે પૂરપાટ ઝડપે આવેલી ઓડીકારે રાહદારી આધેડને અડફેટે લેતા આધેડનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક નબીરો વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, જો કે જલાલપોર પોલીસે સોમવારે બપોરે કારચાલક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી કારચાલક નબીરો ભાજપના નગરસેવકનો ભત્રીજો આરોપી શિવાંશ પટેલ હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના એરૂ ક્રોસ રોડ પરથી ઓડી કારચાલક શિવાંગ પટેલ તેના મિત્રો સાથે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે તેને સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા એક આધેડ વયના રાહદારીને અડફેટે લીધા હતા, ટક્કર એટલી ભયાનક હતી કે આધેડ હવામાં ફંગોળાઈને દૂર રોડ પર પટકાયા હતા. માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેઓ અર્ધબેભાન અવસ્થામાં રોડ પર પડ્યા હતા. આજુબાજુના રાહદારીઓએ તાત્કાલિક તેમને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું પ્રાણપંખીડુ ઉડી ગયું હતું. નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ઓડી કારના ચાલક શિવાંશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે, મૃતક અરુણ ઉપાધ્યાય રાત્રિના સમયે એરુ ચાર રસ્તા પાસે આવેલી પોતાની ‘શિવ શક્તિ’ નામની જ્યુસની દુકાન બંધ કરીને રાત્રે 10:30 વાગ્યે ઘર તરફ ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાંધી ફાટક તરફથી એરુ ચાર રસ્તા તરફ પૂરઝડપે ધસી આવેલી ઓડી કારના ચાલક શિવાંશ પટેલે તેમને સામેથી અડફેટે લીધા હતા પોલીસે શિવાંગ પટેલની ધરપકડ કરી છે. આરોપી શિવાંશ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના નગરસેવક ધર્મેશ ભીમ પટેલના ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે.


