ગાંધીનગર, 10 ઓક્ટોબર, 2026 : Ekta Prakash Parv to be celebrated at Statue of Unity ભારતની રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ગૌરવનું વૈશ્વિક પ્રતીક બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિના અવસરે રોશનીના રંગોમાં ઝળહળી ઊઠવા સજ્જ છે. આગામી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી તેમજ ભારત પર્વ અને દીપોત્સવીના ઉત્સવી માહોલને વધુ યાદગાર બનાવવા એકતા નગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નું ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગત વર્ષે પ્રથમવાર યોજાયેલા એકતા પ્રકાશ પર્વને મળેલા અદ્ભુત પ્રતિસાદ અને સફળતાને પગલે આ વર્ષે ત્રણ મહિના સુધી આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન એકતા નગરના મુખ્ય માર્ગો, ઇમારતો અને વૃક્ષો આકર્ષક રોશનીથી શણગારાશે. થીમ આધારિત લાઈટિંગ, ભવ્ય પ્રકાશ સજાવટ અને સરદાર સરોવર ડેમનો વિશેષ ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓને એક અનોખી અનુભૂતિ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે વિકસિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વના પ્રવાસન નકશા પર ભારતની આગવી ઓળખ બની રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી વિરાટ પ્રતિમા, નર્મદા નદીનો વિશાળ જળવિસ્તાર, સરદાર સરોવર ડેમ અને આસપાસની પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓને સતત આકર્ષે છે. એકતા નગરમાં નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહાઆરતી અને યુનિટી ગ્લો ગાર્ડન સહિતનાં વિવિધ પ્રવાસન આકર્ષણો ઉપલબ્ધ છે અને એકતા પ્રકાશ પર્વ દરમિયાન વિશેષ ઇલ્યુમિનેશન અને થીમ આધારિત સજાવટથી એકતાનગરનું રાત્રિ સૌંદર્ય વધુ આકર્ષક બનશે. દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા, નર્મદા નદી વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા અને પ્રવાસન સ્થળોનો આનંદ માણ્યા બાદ રાત્રે રોશનીથી ઝળહળતા એકતાનગરને નિહાળવાનો અનુભવ પ્રવાસીઓની સફરને વધુ યાદગાર બનાવશે. એકતા પ્રકાશ પર્વ અંતર્ગત સમગ્ર એકતા નગરને બે મુખ્ય ભાગમાં વિશેષ લાઈટિંગ અને ઇલ્યુમિનેશનથી સજાવવામાં આવશે.
પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના આશરે સાત કિલોમીટરના માર્ગ પર લાઈટિંગ પોલ, ગેન્ટ્રી મોટિફ અને થીમ આધારિત પ્રકાશ સજાવટ કરવામાં આવશે. વિવિધ સરકારી યોજનાઓ, એકતાનગરનાં પ્રવાસન સ્થળો અને દેશની વિકાસયાત્રાને રજૂ કરતા આકર્ષક લાઈટિંગ આર્ટિકલ્સ દ્વારા માર્ગને વિશિષ્ટ ઓળખ આપવામાં આવશે. મુખ્ય માર્ગ પર આવેલી ઇમારતો અને વૃક્ષોને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવશે.


