સુરત, 10 ઓક્ટોબર, 2026 : ‘ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી નોકરી આપવામાં આવશે તેમજ અગ્નિવીરો માટે ૨૦ ટકા અનામતનો લાભ યથાવત રહેશે’ એમ આજે સુરતની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં રાજ્યની પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને પરીક્ષા વિના સીધી ભરતી કરીને નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની સુરક્ષા માટે યુવાનીમાં સરહદો પર દિનરાત ફરજ બજાવનાર અગ્નિવીરો ગુજરાત પોલીસ સાથે ખભેખભો મિલાવીને કામ કરશે, જેનાથી પોલીસ ફોર્સ વધુ મજબૂત બનશે. સરહદ પર વિષમ પરિસ્થિતિઓમાં અગ્નિવીરોએ બજાવેલ ફરજના અનુભવનો સીધો લાભ રાજ્યની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવામાં મળશે.
અગાઉ રાજ્ય સરકારે તેમને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપી હતી. હવે બંને પરીક્ષામાંથી મુક્તિ મળતાં પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા સરળ બનશે. વયમર્યાદામાં પણ ૫ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ગૃહ વિભાગે ૯ ઓક્ટોબર-૨૦૨૬ ના રોજ જાહેર કરેલા સુધારા નિયમો મુજબ હવે પૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ મળશે. આ ભરતીના નિયમો, યોગ્યતા અને શરતો અંગે સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ પણ કરી દેવાયો હોવાનું તેમણે કહ્યું હતું.
નોંધનીય છે કે, રાજ્ય સરકારે ૧૭/૦૭/૨૦૨૬ના રોજ જાહેર કરેલા મૂળ નિયમોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ૨૦ ટકા અનામતની જોગવાઈ કરી હતી. આ અનામત ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી અથવા એરફોર્સમાં અગ્નિવીર તરીકે સેવા પૂર્ણ કરી હોય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણીમાં લાયક ઠરે એવા ગુજરાતના વતની, મૂળ નિવાસી અથવા કાયમી રહેવાસી એવા ભૂતપૂર્વ અગ્નિવીરોને લાગુ પડશે.
ગૃહ વિભાગે જાહેર કરેલા નવા સુધારા દ્વારા મૂળ નિયમોમાં નિયમ ૫ પછી નિયમ ૫-એ ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ સીધી ભરતીની પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.


