Homeગુજરાતીજીવનશૈલીશિયાળાની ત્વચાની સંભાળ: મોંઘી ક્રીમ છોડો, ઘરે જ બનાવો નેચરલ મોઈશ્ચરાઈઝર અને...

શિયાળાની ત્વચાની સંભાળ: મોંઘી ક્રીમ છોડો, ઘરે જ બનાવો નેચરલ મોઈશ્ચરાઈઝર અને મેળવો કુદરતી ગ્લો

બદલાતી ઋતુ કે શિયાળાના આગમન સાથે જ ત્વચામાં રૂખાપણું (શુષ્કતા) વધવું એ એક સામાન્ય સમસ્યા બની જાય છે. ચહેરાથી લઈને હાથ-પગની ત્વચા ખેંચાયેલી અનુભવાય છે, જેના કારણે ચહેરાનો કુદરતી નિખાર કે ગ્લો પણ ફીકો પડી જાય છે. જો તમે પણ બજારમાં મળતા મોંઘા અને કેમિકલ યુક્ત મોઈશ્ચરાઈઝરથી પરેશાન છો, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ખૂબ જ ઓછા ખર્ચે ઘરે જ ત્વચા માટે ઉત્તમ નેચરલ મોઈશ્ચરાઈઝર તૈયાર કરી શકો છો, જે તમારી ત્વચાને મુલાયમ, ચમકદાર અને ડાઘ-ધબ્બા વગરની બનાવવામાં કારગર સાબિત થશે.

આ હોમમેઇડ મોઈશ્ચરાઈઝર બનાવવા માટે તમારે કોઈ મોટી મહેનત કે ખર્ચ કરવાની જરૂર નથી. આમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની સામગ્રી ત્વચા માટે સંપૂર્ણપણે કુદરતી અને સુરક્ષિત છે, જેથી સાઈડ ઈફેક્ટનો ડર પણ રહેતો નથી. જોકે, તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ અવશ્ય કરી લેવો હિતાવહ છે.

  • મોઈશ્ચરાઈઝર માટે જરૂરી સામગ્રી

2 મોટી ચમચી એલોવેરા જેલ

1 ચમચી ગ્લિસરીન

2 નાની ચમચી ગુલાબજળ

2 થી 3 વિટામિન-ઈ કેપ્સ્યુલ

4 થી 5 ટીપાં એન્સેન્શિયલ ઓઈલ

2 ચમચી બદામનું તેલ

  • બનાવવાની સરળ રીત

આ મોઈશ્ચરાઈઝર બનાવવું અત્યંત સરળ છે. એક મોટી થાળી કે કાચના બાઉલમાં સૌથી પહેલા એલોવેરા જેલ લો. ત્યારબાદ તેમાં ગુલાબજળ અને ગ્લિસરીન ઉમેરીને સારી રીતે મિક્સ કરો, જેથી ગુલાબજળ અલગ ન દેખાય. હવે તેમાં બદામનું તેલ અને વિટામિન-ઈ કેપ્સ્યુલ ઉમેરો. આ તમામ સામગ્રીને ક્રીમી ટેક્સચર (મલાઈ જેવું ઘટ્ટ સ્વરૂપ) ન આવે ત્યાં સુધી સારી રીતે ફેંટો. વાસણ કે વાટકીના તળિયાનો ઉપયોગ કરીને તેને બરાબર મિક્સ કરી શકાય. જ્યારે બધી સામગ્રી એકરસ થઈ જાય, ત્યારે અંતમાં તેમાં એન્સેન્શિયલ ઓઈલના ટીપાં ઉમેરી દો.

  • સંગ્રહ કરવાની અને લગાવવાની રીત

તૈયાર થયેલા આ મોઈશ્ચરાઈઝરને કોઈપણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકાય છે. તેને રૂમ ટેમ્પરેચર પર પણ રાખી શકાય છે, પરંતુ જો તેને ફ્રિજમાં રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. ન્હાયા પછી અથવા ચહેરો ધોયા બાદ ત્વચા જ્યારે હળવી ભેજવાળી હોય ત્યારે તેને ચહેરા તેમજ હાથ-પગ પર લગાવી શકાય છે. રાત્રે સૂતી વખતે આ મોઈશ્ચરાઈઝર લગાવીને હળવા હાથે મસાજ કરવાથી સવારે ત્વચા પર અદ્ભુત ચમક અને મુલાયમતા જોવા મળે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular