દરેક માથાનો દુખાવો સામાન્ય નથી હોતો, ક્યારે તે હોઈ શકે છે બ્રેન ટ્યુમરના શરૂઆતી સંકેત
માથાનો દુખાવો એક એવી સામાન્ય સમસ્યા છે જેનાથી લગભગ દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક પરેશાન થતી જ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં તેની પાછળ માનસિક તણાવ, અપૂરતી ઊંઘ, ડિહાઇડ્રેશન (પાણીની અછત), લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવું અથવા થાક જેવા સામાન્ય કારણો જવાબદાર હોય છે. સામાન્ય રીતે થોડો આરામ કરવાથી, પૂરતું પાણી પીવાથી કે જરૂર પડે પેઇનકિલર લેવાથી તે મટી પણ જાય છે. પરંતુ, જ્યારે માથાનો દુખાવો વારંવાર થવા લાગે, અગાઉ કરતાં વધુ તીવ્ર બને અથવા તેની સાથે અન્ય અસામાન્ય લક્ષણો દેખાય, ત્યારે તેને સામાન્ય ગણીને નજરઅંદાજ કરવો ભારે પડી શકે છે.
સામાન્ય રીતે લોકો એવું માને છે કે ‘બ્રેન ટ્યુમર’ નું પ્રથમ અને મુખ્ય લક્ષણ અસહ્ય માથાનો દુખાવો જ હોય છે, પરંતુ તબીબી વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ છે. ઘણી વખત તેના શરૂઆતના સંકેતો એટલા સામાન્ય હોય છે કે લોકો તેને કામનું દબાણ કે વધતી ઉંમરની અસર સમજી બેસે છે અને આ જ કારણે રોગના નિદાનમાં વિલંબ થાય છે. ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ એન્ડ સ્ટ્રોક’ના રિસર્ચ અનુસાર, બ્રેન ટ્યુમરના લક્ષણો તેના કદ, મગજમાં તેના સ્થાન અને તેના વધવાની ગતિ પર આધાર રાખે છે. માથાના દુખાવા ઉપરાંત યાદશક્તિમાં ફેરફાર, દ્રષ્ટિ નબળી પડવી, વર્તનમાં અચાનક બદલાવ, ખેંચ (દૌરા) આવવા અને શરીરનું સંતુલન બગડવું પણ તેના મુખ્ય સંકેતો હોઈ શકે છે.
જાણીતા ન્યુરોસર્જનના જણાવ્યા અનુસાર, “આ એક બહુ મોટી ભ્રમણા છે કે બ્રેન ટ્યુમરની શરૂઆત હંમેશા માથાના દુખાવાથી જ થાય છે. ઘણા દર્દીઓમાં શરૂઆતમાં યાદશક્તિ નબળી પડવી, કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી અથવા સ્વભાવ ચીડિયો થઈ જવો જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક લોકોને બોલવામાં તકલીફ પડે છે, તો કેટલાકને ધૂંધળું અથવા એક વસ્તુના બે દ્રશ્યો (ડબલ વિઝન) દેખાવા લાગે છે. મગજનો દરેક હિસ્સો શરીરના અલગ-અલગ કાર્યોને કંટ્રોલ કરતો હોવાથી, ટ્યુમર મગજના કયા ભાગમાં છે તેના આધારે લક્ષણો દેખાય છે.”
-
ક્યારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ?
તબીબી નિષ્ણાતોના મતે, દરેક માથાનો દુખાવો ચિંતાનો વિષય નથી, પરંતુ જો માથાનો દુખાવો સતત વધી રહ્યો હોય અને વારંવાર થતો હોય, દુખાવો એટલો તીવ્ર હોય કે વ્યક્તિ અડધી રાત્રે ઊંઘમાંથી જાગી જાય, માથાના દુખાવાની સાથે વારંવાર ઉલ્ટી-ઊબકા થવા, ચક્કર આવવા કે અશક્તિ લાગવી અને હાથ-પગમાં નબળાઈ કે લકવા જેવી અસર વર્તાવી અથવા ચાલતી વખતે સંતુલન બગડવું જેવા લક્ષ્ણ દેખાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.
બ્રેન ટ્યુમરના કેટલાક સંકેતો એવા હોય છે જે દર્દી પોતે સમજી શકતો નથી, પરંતુ તેના પરિવારના સભ્યો તેને વહેલા ઓળખી શકે છે. જેમ કે, વ્યક્તિનું અચાનક સામાજિક પ્રવૃત્તિઓથી દૂર થઈ જવું, વાતચીત કરવાની શૈલી બદલાઈ જવી, વારંવાર વસ્તુઓ ભૂલી જવી કે યોગ્ય શબ્દો શોધવામાં મુશ્કેલી પડવી. લોકો આને માનસિક તણાવ કે ડિપ્રેશન માની લે છે. જો કે, બ્રેન ટ્યુમરને સંપૂર્ણપણે રોકવાનો કોઈ ચોક્કસ ઉપાય હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ સમયસર લક્ષણોને ઓળખીને MRI કે CT સ્કેન જેવી તપાસ કરાવવી એ જ આ બીમારી સામે બચવાનો સૌથી મોટો અને અસરકારક માર્ગ છે.


