Homeગુજરાતીગુજરાતરાજકોટમાં ફરાળી વાનગીઓમાં ભેળસેળ સામે ઝૂંબેશ, 98 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો

રાજકોટમાં ફરાળી વાનગીઓમાં ભેળસેળ સામે ઝૂંબેશ, 98 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો

રાજકોટ, 15 ઓગસ્ટ 2026 : Campaign against adulteration in *Farali* (fasting) food items શ્રાવણ મહિનામાં ભાવિકો દ્વારા ઉપવાસ -એકટાણા કરવામાં આવતા હોય છે. તેના લીધે ફરાળી વાનગીઓનું વધુ વેચાણ થતું હોય છે.  શહેરીજનોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ફરાળી તેમજ અન્ય ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અસ્વચ્છતા અને ભેળસેળ સામે કડક પગલાં ભરી 77 જેટલા વેપારી એકમોની સ્થળ તપાસ કરવામાં આવી હતી. તેમજ 98 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી જુદા-જુદા વેપારીઓ પાસેથી રૂ.10,000ની વસુલાત કરવામાં આવી હતી.

આરએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને અસ્વચ્છ સ્થિતિમાં રખાયેલો આશરે 98 કિગ્રા અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો જપ્ત કરી તેનો ત્વરિત નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ ખામીઓ બદલ કુલ 8 પેઢીઓને સ્ટોરેજ, ફૂડ લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન (સ્વચ્છતા) જાળવવા બાબતે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. નિયમોના ઉલ્લંઘન બદલ અલગ-અલગ એકમો પાસેથી કુલ મળીને રૂ.10,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ ગુણવત્તાની ચકાસણી અર્થે FSS-એક્ટ હેઠળ 4 ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

આ ઉપરાંત  ગુણવત્તા ચકાસણી માટે પેશુંમલ ચેલરામ એન્ડ કંપની (પરાબજાર) માંથી ‘વાસ્તુ’ અને ‘સુકુન’ બ્રાન્ડના ગાયના ઘીના 2 સેમ્પલ તથા  ખોડીયાર ડેરી ફાર્મ (યુનિવર્સિટી રોડ) માંથી લુઝ પનીર અને શુદ્ધ ઘીના 2 સેમ્પલ લેવાયા હતા. તેમજ ફૂડ વિભાગની ટીમે શહેરના 80 ફીટ રોડ, હરિઘવા રોડ, આકાશવાણી ચોક, જીવરાજ પાર્ક અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા 50 થી વધુ નાના-મોટા ખાદ્ય એકમો પર સ્થળ તપાસ હાથ ધરીને સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.

સંબંધિત લેખો

Most Popular