નવી દિલ્હી, 1 ઓક્ટોબર 2026: ભારતીય પેરા સ્વિમિંગ ટીમના હેડ કોચ ડૉ. વિરેન્દર કુમાર ડબ્બાસનું કહેવું છે કે તેઓ 18 થી 24 ઓક્ટોબર, 2026 દરમિયાન રમાનારી આગામી આઈચી-નાગોયા 2026 એશિયન પેરા ગેમ્સમાં તેમના શિષ્યો પાસેથી ઓછામાં ઓછા ચાર મેડલની આશા રાખે છે. ગાંધીનગર સ્થિત SAI NCoE ખાતે ચાલી રહેલા તૈયારી શિબિર દરમિયાન SAI મીડિયા સાથે વાત કરતા, ડૉ. વિરેન્દ્ર કુમાર ડબ્બાસે પેરા-સ્વિમર રોહિત કુમારના વિશેષ વખાણ કર્યા. તેમણે કહ્યું, “ભૂતપૂર્વ માર્કોસ (MARCOS) કમાન્ડો એવા રોહિત કુમારે માત્ર દોઢ વર્ષ પહેલાં જ સ્વિમિંગ શરૂ કર્યું હતું અને તે અત્યારે એશિયામાં બીજા ક્રમે છે; હિમાંશુ નંદલ અને રવિ કાર્તિક બુડિગિનાની સાથે તે પણ અમારા શ્રેષ્ઠ સંભવિત ખેલાડીઓમાંનો એક છે. મને આશા છે કે આ ટીમ કોન્ટિનેન્ટલ ગેમ્સમાં ઓછામાં ઓછા ચાર મેડલ જીતશે.”
ભારતીય પેરા-સ્વિમિંગ દળના સભ્યો 20 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર, 2026 દરમિયાન SAI NCoE, ગાંધીનગર ખાતે તૈયારી શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (PCI) માં પેરા સ્વિમિંગના ચેરમેન તરીકે સેવા આપતા ડૉ. ડબ્બાસે જણાવ્યું હતું કે હાલમાં આ કેમ્પનું મુખ્ય ધ્યાન ગતિ (સ્પીડ) વધારવા પર છે. તેમણે કહ્યું, “અત્યારે અમે ‘ટેપરિંગ’ તબક્કામાં છીએ; અમે ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને વધુ ઝડપી શરૂઆત (સ્ટાર્ટ) તથા સચોટ વળાંક (ટર્ન) લેવા પર કામ કરી રહ્યા છીએ. ગઈકાલે અમે અમારા તરવૈયાઓ દ્વારા લેવામાં આવતા સમયની નોંધ લીધી હતી. ‘આઈચી-નાગોયા 2026 એશિયન પેરા ગેમ્સ’ ખૂબ નજીક હોવાથી, અમારે તાલીમના અંતિમ તબક્કા એટલે કે ‘ટેપરિંગ’ તબક્કામાં હોવું જરૂરી છે. સ્વિમિંગ કોચિંગ એક ચોક્કસ ટ્રેજેક્ટરીને અનુસરે છે, પહેલા અમે તકનીક શીખવીએ છીએ અને એથ્લેટની સ્ટેમિના પર કામ કરીએ છીએ, પછી સ્ટ્રેન્થ ટ્રેનિંગ આવે છે, છેલ્લે અમે સ્પીડ પર કામ કરીએ છીએ, તકનીક, સ્ટેમિના અને સ્ટ્રેન્થ વિના સ્પીડ આવશે નહીં.”
-
શાળાઓમાં રમતગમતને પણ અભ્યાસ જેટલું જ મહત્વ આપવું
તેમણે સમજાવ્યું કે જો ભારતને એક ગંભીર રમતગમત રાષ્ટ્ર તરીકે ઉભરી આવવું હોય, તો શાળાઓમાં રમતગમતને પણ અભ્યાસ જેટલું જ મહત્વ આપવું પડશે. “હાલમાં સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે વિદ્યાર્થીઓને અઠવાડિયામાં બે ‘ગેમ્સ પિરિયડ’ મળે; પરંતુ અઠવાડિયાના માત્ર બે પિરિયડમાં શું હાંસલ થઈ શકે? વળી, આ પિરિયડ દરમિયાન શું તેમને ખરેખર રમતગમત શીખવવામાં આવે છે? શારીરિક શિક્ષણના શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર ફૂટબોલ કે વોલીબોલ પકડાવી દે છે અને વાત પૂરી થઈ જાય છે; તેમને કંઈપણ શીખવવાની તેઓ કાળજી લેતા નથી. તેમને જવાબદાર બનાવવાની જરૂરી છે.”
“80ના દાયકાના ઉત્તરાર્ધમાં હું ‘સ્પોર્ટ્સ ટ્રેનિંગમાં માસ્ટર્સ’ (પીએચ.ડી. નહીં) કરવા માટે પૂર્વ જર્મનીમાં હતો; ત્યાં શાળાઓમાં વિદ્યાર્થીઓને જિમ્નેસ્ટિક્સ અને સ્વિમિંગની કસોટીઓ પાસ કર્યા વિના આગળના ધોરણમાં બઢતી આપવામાં આવતી ન હતી, કારણ કે ત્યાં અભ્યાસ જેટલું જ અથવા તેનાથી પણ વધુ મહત્વ રમતગમતને આપવામાં આવતું હતું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો નાના બાળકોને રમતવીરો તરીકે વિકસાવવા હોય, તો પ્રાથમિક શાળાના શિક્ષકોએ મોટો ફાળો આપવાની જરૂર છે.
-
પ્રાથમિક સ્તરે દરેક શિક્ષક પાસે રમતગમતમાં ચોક્કસ સ્તરની પ્રવીણતા હોવી જોઈએ
“પ્રાથમિક સ્તરે દરેક શિક્ષક પાસે રમતગમતમાં ચોક્કસ સ્તરની પ્રવીણતા હોવી જોઈએ, જો પ્રાથમિક શિક્ષક રમતગમતમાં નિપુણ હોય, અને વિવિધ રમતગમત સંબંધિત માપદંડો અને નિયમો જાણતો હોય, તો તે ખૂબ જ મદદરૂપ થશે. તે રમતગમત કોચિંગ માટે નાના વિસ્તારનો પણ ઉપયોગ કરી શકશે. રમતગમતના સાધનોની અછતને ધ્યાનમાં રાખીને, તેમણે નવીનતા લાવવાની જરૂર છે, એક ફૂટબોલનો ઉપયોગ વોલીબોલ, હેન્ડબોલ વગેરે માટે પણ થઈ શકે છે. આ રીતે રમતગમત સંસ્કૃતિનું નિર્માણ થશે.”
તેમણે SAI, NCoE, ગાંધીનગરની રમતગમત તાલીમ માટેના એક ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે પ્રશંસા કરી “હું અહીં લાંબા સમયથી આવી રહ્યો છું કારણ કે હું ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ કમિટી (TIDC) નો સભ્ય છું, કોચ મયંક દિવાન અને કોચ રવિ તેજાના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર સુધારો થયો છે. આ સુધારો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કારણ કે સ્વિમર્સ હવે ખૂબ સારા સમય નોંધાવી રહ્યા છે. આ કેન્દ્ર ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડે છે, સારી રહેવાની સુવિધાઓ ધરાવે છે અને ખેલાડીઓને સ્પોર્ટ્સ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે. જો કે, મને લાગે છે કે કેમ્પસની અંદર એક નાનું માર્કેટ હોવું જોઈએ, જેમાં કેરમ, TT ટેબલ સાથેનું કાફેટેરિયા હોય જ્યાં એથ્લેટ્સ સોશિયલાઈઝ થઈ શકે, રિલેક્સ થઈ શકે અને ભળી શકે.”


