Homeગુજરાતીગુજરાતસુરતમાં સરઘસ કાઢી આરોપીને મારમારતા ડીસીપી નકૂમની બદલી કરોઃ HC

સુરતમાં સરઘસ કાઢી આરોપીને મારમારતા ડીસીપી નકૂમની બદલી કરોઃ HC

અમદાવાદ, 15 ઓગસ્ટ 2026 : DCP Nakum should be transferred: HC સુરત શહેરમાં ડીસીપી રાજદીપસિંહ નકૂમએ 13મી જુલાઈએ એક આરોપીને સરઘસ કાઢીને જાહેરમાં માર માર્યો હતો. આ બનાવની ગંભીર નોંધ લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કર્યો હતો. આ કેસની શુક્રવારે સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટે કહ્યું કે, ઘટનામાં સામેલ ડીસીપી એક ઉચ્ચ અધિકારી હોવાથી તેમને તે જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં, જેથી તાત્કાલિક તેમની બદલી કરવી જોઈએ.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે હાઇકોર્ટને વિનંતી કરી હતી કે, કોર્ટ આ અંગે હુકમમાં કોઈ નોંધ ન લે, સરકાર સ્વયં ગંભીરતા સમજીને યોગ્ય કાનૂની અને વહીવટી પગલાં લેશે. આ કેસમાં આગામી શુક્રવારે સરકાર દ્વારા લેવાયેલાં પગલાં અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટે સરકારી વકીલની આ રજૂઆત ગ્રાહ્ય રાખીને વધુ સુનાવણી આવતા શુક્રવાર પર મુલતવી રાખી છે.

સરકારી વકીલે હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી કે ડીજીપીના આદેશથી સુરત પોલીસ કમિશરે એડિશનલ સીપી (ક્રાઇમ)ને આ ઘટનાની તપાસ સોંપી છે અને વીડિયોમાં દેખાતા લોકોના નિવેદનો લેવાઈ રહ્યા છે. તેના પર હાઇકોર્ટે ટકોર કરી કે, આ માત્ર પ્રાથમિક તપાસ છે. ડીસીપી ઘટનાસ્થળે હાજર હતા અને વીડિયો વાઇરલ થયા હોવાથી ઘટનાનો ઇનકાર થઈ શકે નહીં. જો અધિકારી તે જ જગ્યા પર રહેશે તો નીચેના કર્મચારીઓ તેમની વિરુદ્ધ બોલી શકશે નહીં. કોર્ટ મિત્રએ જણાવ્યું કે, આ સબંધે અગાઉ બે સર્ક્યુલર નીકળ્યા છે. એક 2019નો છે, જેમાં આરોપીઓને દોરડાથી બાંધવા, સરઘસ કાઢવું, હાથકડી પહેરાવવી, જનતા સામે દેખાડો કરવો વગેરે ઉપર પ્રતિબંધ છે.

આ કેસની વિગત એવી છે કે, સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીઓને સબક શીખવવાના નામે ડીસીપી રાજદીપ નકુમ ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હોય તેમ આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. અને થોડે થોડે અંતરે આરોપીઓને ઉભા રાખી વાળ પકડી લાફા અને લાકડીઓ વડે મારમાર્યો હતો.  આખા સરઘસ દરમિયાન ડીસીપીએ આરોપીઓ પર 25થી વધુ લાકડીના ઘા કર્યા હતા.

સંબંધિત લેખો

Most Popular