અમદાવાદ, 15 ઓગસ્ટ 2026 : Yellow Alert’ issued for 4 districts today. રાજ્યમાં શુક્રવારે 131 તાલકાઓમાં ઝાપટાંથી લઈને અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આજે શનિવારે 4 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 494.5 મિમી (19.44 ઈંચ) વરસાદની થવો જોઈએ, જેની સામે 501.6 મિમી (19.72 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે સરેરાશ 1 ટકા વધુ છે.
રાજ્યમાં શુક્રવારે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 131 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડાના કઠલાલમાં અઢી ઈંચ, ડાંગના વઘઈમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. શુક્રવારે સવારના અમદાવાદમાં આશ્રમ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. તો બપોર બાદ મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. બાલાસિનોરમાં તો દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાંજના સમયે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે કુલ 6 સિસ્ટમ શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અન્ય એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જેથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે 15 ઓગસ્ટના દિને તાપી- ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. 14, 16 અને 17 ઓગસ્ટે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. જો કે, શનિવારે સ્વતંત્રતા પર્વ પર વાતાવરણ ચોખ્ખું રહેશે. ઓગસ્ટના અંતમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જે ગુજરાતમાં વરસાદ લાવશે. 24 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

