Homeગુજરાતીગુજરાતટ્રાફિક ભંગના મેમોના 75 દિવસમાં દંડ નહીં ભરાય તો લાયસન્સ સહિત સેવા...

ટ્રાફિક ભંગના મેમોના 75 દિવસમાં દંડ નહીં ભરાય તો લાયસન્સ સહિત સેવા બંધ થશે

ગાંધીનગર, 15 ઓગસ્ટ 2026 : License-related services will be suspended if the fine for a traffic violation memo is not paid ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬થી ન્યૂ નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુધારેલી વ્યવસ્થા હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચલણ ઇસ્યુ કરવાની, તેની ચૂકવણી કરવાની તેમજ ચલણ સામે વાંધો રજૂ કરવાની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ ટ્રાફિક અમલીકરણમાં વધુ પારદર્શિતા લાવવાનો, વાહનચાલકોને ચલણ અંગે સમયસર જાણકારી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો તથા ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન આપવાનો છે.

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP  વી. સાહિત્યાએ નવી સિસ્ટમ અને નાગરિકો માટે શરૂ કરાયેલી ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટ્રાફિક સંબંધિત ઈ-ચલણ જનરેટ થયાની તારીખથી વાહનમાલિક પાસે ૪૫ દિવસનો સમય રહેશે. જો ચલણ સામે કોઈ વાંધો હોય તો વાહનચાલક પરિવહન પોર્ટલ પર જઈને ઓનલાઇન ફરિયાદ કરી શકશે અથવા ૪૫ દિવસમાં દંડ ભરી શકશે.

વાહનચાલકો ચલણ સામે વાંધો રજૂ કરવા માટે પરિવહન પોર્ટલની મુલાકાત લઈ શકે છે. પોર્ટલ પર જઈને વાહનમાલિકે પોતાનો ચાલુ મોબાઈલ નંબર અપડેટ કરવાનો રહેશે જેથી ચલણ અને ફરિયાદ સંબંધિત તમામ અપડેટ્સ સીધા SMS દ્વારા મેળવી શકાય. ત્યારબાદ, ચલણ ખોટી રીતે ઇસ્યુ થયું હોવાના સમર્થનમાં જરૂરી દસ્તાવેજી પુરાવા પોર્ટલ પર અપલોડ કરીને ફરિયાદ (Grievance) સબમિટ કરવાની રહેશે.

વાહનમાલિકની ફરિયાદ મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા પુરાવાઓની ચકાસણી કરીને ૩૦ દિવસની અંદર તેનો નિકાલ કરી દેવામાં આવશે. ચલણ જનરેટ થયાથી લઈને ફરિયાદના નિકાલ સુધીની સમગ્ર પ્રક્રિયા મહત્તમ ૭૫ દિવસમાં પૂર્ણ થશે. જો ચલણ યોગ્ય ઠરશે તો વાહનચાલકે દંડ ભરવો પડશે. ૭૫ દિવસની મુદત પૂરી થયા બાદ પણ જો દંડ ભરવામાં નહીં આવે, તો પરિવહન પોર્ટલ પર તે વાહનને લગતી લાઇસન્સિંગ અને રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત પોલીસ દ્વારા ફરિયાદના નિકાલ બાદ પણ જો વાહનમાલિક અસંતુષ્ટ હોય અને કોર્ટમાં કેસ કરવા માંગતા હોય, તો ચલણની રકમના ૫૦ ટકા નાણાં ભર્યા બાદ કોર્ટમાં અપીલ કરી શકાશે.

વાહનચાલકોની ફરિયાદોની તટસ્થ અને ઝડપી તપાસ થાય તે માટે દરેક જિલ્લામાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે જેમાં જિલ્લા કક્ષાએ DySP કક્ષાના અધિકારી સમગ્ર પ્રક્રિયાનું સુપરવિઝન કરશે. તેમની દેખરેખ હેઠળ PI કક્ષાના અધિકારી વાહનચાલકના પુરાવાઓની તપાસ કરી ૩૦ દિવસમાં ફરિયાદનો આખરી નિર્ણય કરશે.

સંબંધિત લેખો

Most Popular