અમદાવાદ, 14 ઓગસ્ટ, 2026 : ગુજરાતમાં ગુરૂવારે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડ અને નવસારીના ખેરગામમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદના ધંધુકામાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેમજ 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મહિસાગરના વીરપુર તાલુકાના ખાટ ગામે દીવાલ ધસી પડતા બે બાળકોના મોત નિપજ્યા હતા. ભારે વરસાદને પગલે મહીસાગરનો ‘સાત કુંડા વોટર ફોલ’ ફરી ખીલી ઊઠ્યો છે.
અમદાવાદ શહેરમાં પણ ગુરૂવારે સવારે કેટલાક વિસ્તારમાં વરસાદના હળવા ઝાંપટા પડ્યા હતા. શહેરના ન્યુ રાણીપ, વાડજ, અખબારનગર, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાગ વાદળોના કારણે વહેલી સવારે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેના કારણે વાહનચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા વરસ્યા હતા. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં સતત બીજા દિવસે મેઘરાજા ધીમે ધારે વરસ્યા હતા. પાલનપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુર શહેર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. આ દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખાટા ગામમાં ગુરૂવારે સવારે અંદાજે 11 વાગ્યે વરસાદને કારણે કાચા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં આંગણામાં રમી રહેલા બંને બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેમાં રાધિકાબેન અજમેલભાઈ પગી અંદાજીત ઉંમર 3 વર્ષ અને તેના કાકાનો છોકરો આયુષ સંજયભાઈ પગી અંદાજીત ઉંમર 2 વર્ષ જે બંને દીવાલના કાટમાળ માં દટાઈ જતા કરુણ મોત નિપજ્યા હતા.
મહીસાગર જિલ્લામાં અવિરત ચોમાસાની મેઘમહેર બાદ પ્રખ્યાત પર્યટન સ્થળ ‘સાત કુંડા વોટર ફોલ’ તેના અદ્ભુત અને રમણીય સ્વરૂપમાં ખીલી ઉઠ્યો છે. ડુંગરોની ઊંચાઈ પરથી ધસમસતો જળપ્રવાહ સાત કુદરતી કુંડાઓમાં ગર્જના સાથે ખાબકતાં અદ્ભુત નજારો સર્જાયો છે. આસપાસની હરિયાળી, ધુમ્મસભર્યું વાતાવરણ અને ગાજતો ધોધ કોઈપણ હિલ સ્ટેશનને ટક્કર આપે તેવો સ્વર્ગસમાન માહોલ ઊભો કરી રહ્યો છે.

