Homeગુજરાતીગુજરાતશ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા

અમદાવાદ, 14 ઓગસ્ટ, 2026 :On the first day of Shravan, Shiva temples resounded with the chant of “Har Har Mahadev.” રાજ્યભરમાં તા.13મી ઓગસ્ટને ગુરૂવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. શિવ મંદિરોમાં મહાદેવજીની પૂજા-અર્ચના માટે વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી. બાર જ્યાતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. રાજ્યના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણોત્સવનો ભક્તિભાવનો નજારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગુરૂવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે જ અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિર સહિત શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી, જેના પગલે સમગ્ર શહેર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી શિવમય બન્યું હતું.

શ્રાવણ માસના આરંભે શહેરના બિલેશ્વર મહાદેવ મંદિર તેમજ અન્ય શિવાલયોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે. વહેલી સવારથી જ શિવજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. મંદિરોમાં વિશેષ પૂજા, આરતી અને અભિષેકના આયોજનો કરવામાં આવ્યા હતા, જ્યાં ભક્તો ધતુરા અને ફૂલો વડે ભગવાન ભોળાનાથની આરાધના કરતા નજરે પડ્યા હતા.

ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ ગણાતા આ માસ દરમિયાન ભક્તો વ્રત-ઉપવાસ કરીને આરાધના કરશે. શ્રાવણના સોમવાર તેમજ આવનારા ધાર્મિક તહેવારોને લઈને શહેરના વિવિધ શિવાલયોમાં વિશેષ પૂજા-અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર અમદાવાદમાં આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે.

સંબંધિત લેખો

Most Popular