Homerevoinewsકેમેરાથી નહીં, કમ્ફર્ટ ઝોનની બહાર જઈને બને છે અદભુત તસવીર

કેમેરાથી નહીં, કમ્ફર્ટ ઝોનની બહાર જઈને બને છે અદભુત તસવીર

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર

મને 2008માં સુરતમાં સારી રીતે જોઈ શકાય એવા સૂર્યગ્રહણની ઘટના યાદ છે. એ સમગ્ર ઘટના લોકો જોઈ શકે તેની વ્યવસ્થા કરવાની જવાબદારી મારા ઉપર હતી. દુનિયાભરમાંથી કેટલાય લોકો સુરતમાં ધામા નાખીને બેઠા હતા. એરપોર્ટ ની જગ્યા પર દોઢ લાખ જેટલા લોકો એકઠા થયા હતા. સૂર્યગ્રહણની સમજ આપવા માટે અમે દેશના જાણીતા વૈજ્ઞાનિકોને પણ આમંત્રિત કર્યા હતા. આજે પણ એ ઘટના યાદ કરીએ છીએ ત્યારે અમે રોમાંચિત થઈ જઈએ છીએ.

સંપૂર્ણ સૂર્યગ્રહણ પોતે જ એક અદભુત ખગોળીય ઘટના છે. પરંતુ જ્યારે કોઈ કલાકાર, ફોટોગ્રાફર કે સર્જક આ ઘટનાને પોતાની કલ્પનાશક્તિ સાથે જોડે છે, ત્યારે એ માત્ર ફોટોગ્રાફ નથી રહેતો પણ એક વાર્તા બની જાય છે.

12 ઓગસ્ટ 2026ના સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન સ્પેનના જાણીતા ઓલિમ્પિક સ્કેટબોર્ડર Danny León નો એક ફોટોગ્રાફ આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. સ્કેટબોર્ડ પર હવામાં ઉછળતો ખેલાડી અને પાછળ ઢંકાયેલો સૂર્ય. એક નજરે એવું લાગે કે જાણે ફિલ્મનું કોઈ દૃશ્ય હોય! પરંતુ આ તસવીર અઠ્ઠે ગઠ્ઠે મળી નથી ગઈ.

આ માટે મહિનાઓ સુધી આયોજન થયું. સૂર્ય ક્યાં હશે? કયા સમયે કઈ સ્થિતિમાં હશે? સ્કેટબોર્ડર કઈ જગ્યાએથી કૂદશે? તેની ગતિ અને trajectory કેવી હશે? કેમેરો ક્યાં મૂકવો? રેમ્પનું સ્થાન શું હોવું જોઈએ? કેટલા સમયની અંદર આખું દૃશ્ય એક જ ફ્રેમમાં આવશે? આ બધું ગણવું પડ્યું. ફિલ્મમેકર Gonzalo González De Vega અને ફોટોગ્રાફર José Ángel Izquierdo સાથે મળીને timing, location, light, composition અને motion એવી દરેક બાબતનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું. અંતે માત્ર થોડી જ સેકન્ડની તક હતી. અને એ ક્ષણે…

એક માણસ, એક સ્કેટબોર્ડ અને બ્રહ્માંડનો સૂર્ય એમ બધું જ એક જ ફ્રેમમાં આવી ગયું!

આવી જ બીજી અદભુત તસવીર છે “The Fall of Icarus.” ની. પ્રથમ નજરે એવું લાગે કે જાણે કોઈ વ્યક્તિ સૂર્યમાં પડી રહ્યો હોય. પરંતુ આ કોઈ AIની કમાલ નથી. આ એક અત્યંત વિચારપૂર્વક તૈયાર કરેલી astrophotography છે.

ફોટોગ્રાફર Andrew McCarthyએ પોતાના મિત્ર Gabriel Brownને આકાશમાં એવી જગ્યાએ લાવવાનું આયોજન કર્યું કે તે સૂર્યની સામે એક નાનકડા કાળા silhouette તરીકે દેખાય. તેના માટે યોગ્ય સ્થાન, અંતર, સમય, હવામાન, પ્રકાશ અને કેમેરાની સ્થિતિની ચીવટતાપૂર્વક ગણતરી કરવી પડી. એક તરફ માનવી જ્યારે બીજી તરફ લગભગ 93 million miles દૂરનો સૂર્ય અને વચ્ચે માત્ર એક ક્ષણ!

આવી તસવીરો જોઈને આપણને ઘણી વખત લાગે છે કે, “વાહ! કેટલો સરસ કેમેરો હશે!” પરંતુ માત્ર સારો કેમેરો હોય એટલે આવી તસવીર બનતી નથી.
કેમેરો તો માત્ર એક સાધન છે. આવી તસવીર પાછળ શટર સ્પીડ, exposure, aperture, ISO, focus, lighting, lens અને compositionનું જ્ઞાન તો જોઈએ જ. પરંતુ astrophotographyમાં વાત ત્યાં પૂરી થતી નથી. તમારે Astronomy સમજવી પડે.સૂર્ય ક્યાં હશે? ચંદ્રની સ્થિતિ શું હશે? ગ્રહણનો માર્ગ ક્યાંથી પસાર થશે? કઈ જગ્યાએથી કયો angle મળશે? કેટલા વાગ્યે ચોક્કસ ક્ષણ આવશે? હવામાન કેવું હશે? ક્ષિતિજ કેટલો ખુલ્લી હશે?

આ માટે astronomical calculations, mapping અને astronomy softwareનો ઉપયોગ આવડવો જોઈએ. પરંતુ હજી પણ કામ પૂરું થતું નથી.

સાચો સર્જક પહેલાં કેમેરામાં નહીં, પોતાના મનમાં તસવીર બનાવે છે

“મારે સૂર્યગ્રહણનો ફોટો પાડવો છે” આ સામાન્ય વિચાર છે. પરંતુ, ફોટોગ્રાફર એવું વિચારે કે “સૂર્યગ્રહણની સામે એક સ્કેટબોર્ડર હવામાં હોય અને તેની silhouette સૂર્યની ડિસ્ક સાથે perfectly align થાય” આ વિચારને વાસ્તવિકતા બનાવવો એ જ સર્જનાત્મકતાની સાચી કસોટી છે. પછી પ્રશ્ન આવે છે કે આ કામ કોણ કરી શકે? યોગ્ય વ્યક્તિ શોધવી પડે. તે વ્યક્તિને પોતાના વિચાર પર વિશ્વાસ કરાવવો પડે. તેને સમજાવવું પડે કે આ સામાન્ય ફોટોશૂટ નથી. તેને પોતાની physical fitness, skill અને courageની મર્યાદાથી થોડું આગળ જવું પડશે. અને સૌથી અગત્યનું છે તે વ્યક્તિ તમારી કલ્પનાને સાકાર કરશે એવો વિશ્વાસ તમારામાં હોવો જોઈએ.

એક બાજુ ફોટોગ્રાફરનું ગણિત, બીજી બાજુ ખેલાડીનું શરીર અને કુશળતા, ત્રીજી બાજુ આકાશનું ગણિત અને ચોથી બાજુ સર્જકની કલ્પના.જ્યારે આ ચારેય એક જ ક્ષણે perfectly align થાય છે, ત્યારે અસાધારણ પરિણામ જન્મે છે .

જીવનમાં પણ આવું જ છે. આવી તસવીરો આપણને માત્ર photography કે astronomy શીખવતી નથી. તે જીવનનો એક મોટો પાઠ શીખવે છે. સામાન્ય મહેનતથી સામાન્ય પરિણામ મળે છે.

Amazing images are created by stepping outside your comfort zone, not with a camera
અસાધારણ પરિણામ માટે અસાધારણ તૈયારી કરવી પડે છે. કમ્ફર્ટ ઝોનમાં રહીને આપણે સુરક્ષિત રહી શકીએ છીએ, પરંતુ નવી ઊંચાઈ મેળવી શકતા નથી. જ્યારે નવી વસ્તુ કરવાનો વિચાર આવે ત્યારે જોખમ હોય છે. નિષ્ફળ થવાની શક્યતા હોય છે. ઘણી વખત લોકો નિરાશાવાદી સ્ટેટમેન્ટ આપીને કહેતા હોય છે કે “આ શક્ય નથી.”
પરંતુ સર્જક ત્યાં અટકતો નથી. તે ફરી ગણતરી કરે છે. ફરી આયોજન કરે છે. ફરી પ્રયાસ કરે છે. યોગ્ય લોકો શોધે છે. નવી ટેકનોલોજી શીખે છે. અને છેલ્લે તક આવે ત્યારે એક જ ક્ષણ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહે છે. કારણ કે કેટલીક તક જીવનમાં વારંવાર આવતી નથી. સંપૂર્ણ સૂર્યગ્રહણ પણ વારંવાર આવતું નથી. અને જીવનમાં મળતી કેટલીક અસાધારણ તકો પણ નહીં. તેથી માત્ર “ખાધું, પીધું અને રાજ કર્યું” એ જીવનનો હેતુ ન હોઈ શકે.

જીવનમાં કંઈક એવું કરવું જોઈએ જે માટે તમને તમારી આરામની સીમા છોડવી પડે. કંઈક એવું શીખવું જોઈએ જે તમને પહેલાં આવડતું ન હોય.
કોઈ એવી વ્યક્તિ સાથે કામ કરવું જોઈએ જે તમારી કલ્પનાને તમારી ક્ષમતાથી આગળ લઈ જાય. અને કોઈ એવી ક્ષણ માટે તૈયાર થવું જોઈએ જે કદાચ થોડી જ સેકન્ડ માટે આવશે પરંતુ તમારી આખી જિંદગીની ઓળખ બની જશે.

કેમેરો તો દરેક ખરીદી શકે છે.પરંતુ કેમેરાની પાછળનું વિજ્ઞાન, મનમાં રહેલી કલ્પના, યોગ્ય વ્યક્તિ પરનો વિશ્વાસ, અવિરત તૈયારી અને યોગ્ય ક્ષણે જોખમ લેવાની હિંમત અને એ બધાનું સંયોજન જ એક સામાન્ય તસવીરને અસાધારણ બનાવી શકે છે. અને કદાચ સફળ જીવનનું રહસ્ય પણ આ જ છે. તમારી કલ્પનાને પડકાર આપો, તમારી મર્યાદાઓને પડકારો અને યોગ્ય ક્ષણ આવે ત્યારે આખી શક્તિથી ઝંપલાવો. કારણ કે ઇતિહાસ ઘણી વખત કલાકો કે વર્ષોમાં નહીં, માત્ર એક પરફેક્ટ ક્ષણમાં રચાય છે.

સંબંધિત લેખો

Most Popular