મોડાસા, 3 ઓક્ટોબર, 2026 : Firing between police and Bishnoi gang અરવલ્લી જિલ્લામાં માલપુરના મોરડુંગરી નજીક રોડ પર એલસીબી પોલીસ બાતમીને આધારે વોચમાં હતી ત્યારે પોશના ડોડા ભરીને પૂરફાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ કરતા કારમાં સવાર બિશ્નોઈ ગેન્ગના બે શખસોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી. પોલીસે તરત જ સામે ફાયરિંગ કરતા એક આરોપીના પગના ભાગે ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો, જેને પોલીસે તુરંત ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે બે માઉઝર પિસ્તોલ જપ્ત કરી છે. છેલ્લા 10 દિવસમાં અરવલ્લીમાં ફાયરિંગ અને પોલીસ ઓપરેશનની આ બીજી ઘટના બનતાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ બનાવની વિગત એવી છે કે, અરવલ્લી LCBની ટીમને પોશડોડા ભરેલી એક સ્કોર્પિયો કાર પસાર થવાની માહિતી મળતાં માલપુર નજીક મોરડુંગરી પાસે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ કરતા જ કારમાં સવાર બે આરોપીએ પોલીસ ટીમ પર 2 રાઉન્ડ પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ કરી દીધું હતું. આરોપીઓના અચાનક આક્રમક વલણ બાદ LCB ટીમે પણ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અથડામણમાં એક આરોપીના પગના ભાગે ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો, જેને પોલીસે તુરંત ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો આરોપી ફરાર છે. ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. ત્યાર બાદ સ્કોર્પિયો કારની તલાશી લેતાં તેમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવતાં પોલીસે કુલ બે પિસ્તોલ કબજે કરી છે.
આ દિલધડક ફાયરિંગ અને અથડામણ દરમિયાન એલસીબીના પીઆઈ એમ.એચ. ઝાલા, પીએસઆઈ પી.પી. સોલંકી, અને એએસઆઈ કલ્પેશસિંહને ઈજાઓ થઈ હતી.


