નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર 2026: ભારતીય ચૂંટણી પંચ દ્વારા નવા મતદારોની નોંધણી પ્રક્રિયાને લઈને એક અત્યંત મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિશેષ ગહન પુનરીક્ષણ (એસઆઈઆર)ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યાં ઓનલાઈન મતદાર નોંધણી માટેના ‘ફોર્મ-૬’ માંથી એસઆઈઆર સંબંધિત વધારાનું ડિક્લેરેશન (જાહેરાત/સોગંદનામું) દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. હવે આ રાજ્યોમાં નવા મતદારોએ માત્ર મૂળ વૈધાનિક ફોર્મ-6 જ ભરવાનું રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તથા ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીની ઉપસ્થિતિમાં 26 સપ્ટેમ્બરે યોજાયેલી પંચની પૂર્ણ બેઠક બાદ આ સ્પષ્ટતા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ફોર્મ-6 સાથે જોડવામાં આવેલું વધારાનું ડિક્લેરેશન માત્ર એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી હોય તે સમયગાળા પૂરતું જ અમલી રહેશે.
સ્પેશિયલ ગહન પુનરીક્ષણ (એસઆઈઆર) હેઠળ નવા મતદાર તરીકે અરજી કરનારે એ વિગતો આપવી પડતી હતી કે તેઓ પોતે, તેમના માતા-પિતા કે દાદા-દાદી અગાઉ કોઈ એસઆઈઆર દરમિયાન તૈયાર થયેલી મતદાર યાદીમાં નોંધાયેલા હતા કે નહીં. તેના માટે અરજદારે જૂના મતદાર રેકોર્ડ સાથે પોતાના પરિવારનો સંબંધ સાબિત કરવો પડતો હતો. હવે જે રાજ્યોમાં એસઆઈઆર પૂર્ણ થઈ ગયું છે ત્યાંથી ઈસીઆઈનેટ એપ, પોર્ટલ અને સીઈઓ વેબસાઈટ પરથી આ વધારાની જાહેરાત હટાવી લેવામાં આવી છે. જોકે, જે રાજ્યોમાં હાલ પણ એસઆઈઆરની કામગીરી ચાલુ છે ત્યાં આ પ્રોસેસ યથાવત રહેશે.
-
ફોર્મ-6ના ફેરફાર અંગે પંચમાં જ મતભેદ સર્જાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે ફોર્મ-6માં એસઆઈઆર સંબંધિત વધારાની વિગતો ઉમેરવાના મુદ્દે ચૂંટણી પંચના આંતરિક વર્તુળોમાં પણ મતભેદો સામે આવ્યા હતા. ચૂંટણી કમિશનર વિવેક જોશી અને સુખબીર સિંહ સંધૂએ નોંધણી નિયમો, 1960 હેઠળના નિર્ધારિત ફોર્મમાં કાયદાકીય સુધારા વિના ફેરફાર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ચૂંટણી પંચે સત્તાવાર સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે મૂળ ફોર્મ-6 માં કોઈ સુધારો કરાયો નહોતો, પરંતુ એસઆઈઆર પ્રક્રિયા પૂરતું જ વધારાનું ડિક્લેરેશન ઉમેરાયું હતું, જેને સુપ્રિમ કોર્ટે પણ બિહારના એક કેસમાં માન્ય રાખ્યું હતું.
-
‘ફોર્મ-6’ એટલે શું?
‘ફોર્મ-6’ એ ચૂંટણી પંચનું એ કાયદેસરનું ફોર્મ છે, જેના દ્વારા 18 વર્ષ કે તેથી વધુ વયના કોઈપણ પાત્ર ભારતીય નાગરિક પ્રથમ વખત મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે અરજી કરે છે.


