રિવોઈ, 26 સપ્ટેમ્બર, 2026 – Myths and Facts about SIR મતદાર યાદીઓના વિશેષ સુધારણા કાર્યક્રમ (SIR)ને લઈને ચાલતા રાજકીય શોરબકોરમાં “વોટ ચોરી”, “SIR કૌભાંડ” અને “ચૂંટણી પંચનો પક્ષપાત” જેવા સૂત્રો વારંવાર દોહરાવવામાં આવી રહ્યા છે. પરંતુ દસ્તાવેજી તથ્યો, સર્વોચ્ચ અદાલતનાં તારણો અને ઘટનાક્રમ તરફ નજર કરીએ તો ચિત્ર સાવ અલગ જ ઉપસી આવે છે. આ વિષયની વાસ્તવિકતા સ્પષ્ટ કરતા દસ મુખ્ય ઉત્તરો નીચે મુજબ છે:
1. 2024ની ચૂંટણી અને સમયક્રમનો વિરોધાભાસ
એવો દાવો કરવામાં આવે છે કે 2024માં ભાજપને જીતાડવા માટે SIR દ્વારા 13 કરોડ મતદારોના નામ હટાવી દેવાયા, જે સમયક્રમની દ્રષ્ટિએ જ અશક્ય છે. 2024ની સામાન્ય ચૂંટણી જૂન 2024 માં યોજાઈ હતી, જ્યારે SIRની પ્રક્રિયા જૂન 2025 માં શરૂ થઈ હતી. તે 13 કરોડ નામો 2024ની ચૂંટણીની આખરી મતદાર યાદીમાંથી ક્યારેય દૂર કરાયા નહોતા; તે માત્ર ડ્રાફ્ટ યાદીમાંથી બહાર રખાયેલાં નામો હતા, જેમાં મુખ્યત્વે મૃત્યુ પામેલા, પુનરાવર્તિત (ડુપ્લિકેટ), અન્યત્ર સ્થળાંતરિત થયેલા અને લાંબા સમયથી ગેરહાજર મતદારો હતા. પાત્ર નાગરિકો પાસે નામ નોંધાવવાનો અધિકાર સુરક્ષિત છે. ચૂંટણીના એક વર્ષ પછી શરૂ થયેલી પ્રક્રિયાને ચૂંટણી પરિણામો સાથે જોડવાનો દાવો તર્કસંગત નથી.
2. SIR એ કોઈ નવો પ્રયોગ નથી
SIR એ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી કોઈ નવી વ્યવસ્થા નથી. 1950ના દાયકાથી મતદાર યાદીઓની ગહન ચકાસણી એક સામાન્ય વહીવટી પ્રક્રિયા રહી છે. ભૂતકાળમાં 1965-66, 1983-84, 1993, 1995, 2002 અને 2003માં પણ આવી સુધારણા પ્રક્રિયાઓ યોજાઈ ચૂકી છે. તેનો મુખ્ય હેતુ બોગસ નામો દૂર કરવાનો અને યાદીને ચોક્કસ બનાવવાનો રહ્યો છે.
3. સર્વોચ્ચ અદાલતની મંજૂરી
સર્વોચ્ચ અદાલતે SIR સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. 27 મે 2026 ના રોજ અદાલતે આ પ્રક્રિયાની વૈધતાને માન્ય રાખી હતી અને ચૂંટણી પંચની સત્તાનો સ્વીકાર કર્યો હતો. સાથે જ, કોઈ પણ પાત્ર મતદિકારથી વંચિત ન રહે તે માટે જરૂરી રક્ષણાત્મક માર્ગદર્શિકા પણ જારી કરી હતી.
4. ચૂંટણી પરિણામો સાથે પ્રક્રિયાનો કોઈ સંબંધ નથી
હાલની દેશવ્યાપી સુધારણા પ્રક્રિયાને 2024માં ભાજપની સીટો ઘટીને 240 થવા સાથે કોઈ લેવાદેવા નથી. આ પહેલાં છેલ્લી દેશવ્યાપી ગહન સુધારણા 2002-04માં થઈ હતી. તે પછીના સમયગાળામાં કોવિડ મહામારી અને 2021ની વસ્તીગણતરી વિલંબિત થવાને કારણે આ પ્રક્રિયા બાકી હતી. તમામ રાજકીય પક્ષો પોતે પણ બોગસ અને મૃત મતદારોના નામો હટાવવાની માગણી કરતા આવ્યા છે.
5. પ્રાદેશિક પરિણામો અને પક્ષપાતના દાવાનો અસ્વીકાર
પ્રાદેશિક પક્ષોને હરાવવા માટે SIR નો ઉપયોગ કરાયો હોવાનો દાવો વાસ્તવિક પરિણામો સામે ટકી શકતો નથી. તમિળનાડુમાં ભાજપ માત્ર એક સીટ જીતી શક્યું અને એમ. કે. સ્ટાલિન પોતાની બેઠક ટીવીકે સામે હારી ગયા. કેરળમાં ભાજપને ત્રણ બેઠકો મળી, જ્યાં કૉંગ્રેસ પ્રેરિત યુડીએફ સામે પીનારાયી વિજયનની સરકારનો પરાજય થયો હોવા છતાં તેઓ પોતાની બેઠક જાળવી શક્યા. પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ થઈ હતી. આ ઉપરાંત, 2015 થી અત્યાર સુધીમાં ભાજપ કર્ણાટક અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો સહિત 27 વિધાનસભા ચૂંટણીઓ હારી ચૂક્યું છે.
6. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેનો ભ્રમ
મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના આવ્યા પછી મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપની વોટ શેર વધી હોવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. હરિયાણામાં ઓક્ટોબર 2024 માં અને મહારાષ્ટ્રમાં નવેમ્બર 2024 માં મતદાન થયું હતું, જ્યારે જ્ઞાનેશ કુમારે ફેબ્રુઆરી 2025 માં પદભાર સંભાળ્યો હતો. તે ચૂંટણીઓ વખતે તેઓ પદ પર જ નહોતા.
7. ચૂંટણી પંચ સામે ભાજપના પોતાના વાંધા
ભાજપ હંમેશાં ચૂંટણી પંચનો બચાવ કરે છે તે વાત સત્યથી વેગળી છે. કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાજપે પોતે પણ SIR પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો છે, કર્ણાટકમાં ચૂંટણી પંચ સમક્ષ સત્તાવાર રજૂઆતો કરી છે અને પ્રક્રિયામાં અનિયમિતતાના આરોપો મૂક્યા છે.
8. સુનિશ્ચિત કાનૂની અને સંસદીય પ્રક્રિયા
સરકાર પોતાની મરજી મુજબ મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવી કે નીમી શકતી નથી. નિમણૂક સમિતિમાં વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી સામેલ હોય છે. જ્ઞાનેશ કુમારની પસંદગી પ્રક્રિયામાં રાહુલ ગાંધી પોતે પણ સામેલ હતા. ઉપરાંત, કમિશનરને હટાવવા માટે સંસદીય પ્રક્રિયા અને બંધારણીય સંરક્ષણ જરૂરી છે.
9. ચૂંટણી પંચનો સર્વસંમતિથી નિર્ણય
ચૂંટણી પંચના બે સભ્યોએ કેટલાક મુદ્દાઓ પર આંતરિક વાંધા ઉઠાવ્યા હોવાના અહેવાલો હોવા છતાં, પંચના ત્રણેય સભ્યોએ આખરી આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા. ચૂંટણી પંચે જાહેરમાં સ્પષ્ટ કર્યું છે કે અંતિમ નિર્ણયો સર્વસંમતિથી જ લેવામાં આવ્યા હતા.
10. પુરાવાના અભાવે તપાસ પ્રક્રિયા
રાહુલ ગાંધીના “વોટ ચોરી” ના આરોપો પર તપાસ ન થવાનું કારણ એ છે કે ચૂંટણી પંચે તેમને સત્તાવાર રીતે પોતાના દાવાઓ લેખિતમાં રજૂ કરવા જણાવ્યું હતું, જેથી વિગતવાર તપાસ થઈ શકે; પરંતુ તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળમાં મતદારોની અપીલ સાંભળવા માટે ન્યાયાધીશોની નિયુક્તિ કરીને પ્રક્રિયાની દેખરેખ રાખી હતી.
આ તમામ તથ્યો સ્પષ્ટ કરે છે કે વિશેષ સુધારણા કાર્યક્રમ (SIR) એ બે દાયકાથી વધુ સમયથી બાકી રહેલી એક જરૂરી વહીવટી પ્રક્રિયા છે. સર્વોચ્ચ અદાલતે તેની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. લોકશાહીની મજબૂતી માત્ર નારેબાજીમાં નહીં પણ સત્તાવાર પુરાવા અને કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ રાખવામાં રહેલી છે. (https://www.thenarrativeworld.in/ માં પ્રકાશિત અહેવાલના આધારે)


