Homeગુજરાતીખોરાકબાળકો માટે ઘરે જ બનાવો ટેસ્ટી મિક્સ ફૂટ જામ, જાણો રેસીપી

બાળકો માટે ઘરે જ બનાવો ટેસ્ટી મિક્સ ફૂટ જામ, જાણો રેસીપી

બ્રેડ, પરોઠા કે ટોસ્ટ સાથે ફ્રૂટ જામ ખાવાનું બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌને પસંદ હોય છે. બજારમાં વિવિધ ફ્લેવરના જામ સરળતાથી મળી રહે છે, પરંતુ જો તમે ઘરે જ તાજા ફળોમાંથી મિશ્ર ફ્રૂટ જામ બનાવો, તો તે વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. ઘરે જામ બનાવવાનો મોટો ફાયદો એ છે કે તમે તેમાં પ્રિઝર્વેટિવ્સ વગર ઈચ્છા અનુસાર ફળો અને ખાંડનું પ્રમાણ જાળવી શકો છો.

  • જામ બનાવવા માટેની જરૂરી સામગ્રી

1 સફરજન
1 કપ સ્ટ્રોબેરી
1/2 કપ પપૈયું
1/2 કપ અનાનાસ
1 કપ ખાંડ
1 મોટો ચમચો લીંબુનો રસ
1/2 નાની ચમચી ચાટ મસાલો અથવા તજ પાવડર (મરજિયાત)

  • મિક્સ્ડ ફ્રૂટ જામ બનાવવાની રીત

સૌપ્રથમ તમામ ફળોને પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ સફરજન, પપૈયું અને અનાનાસની છાલ ઉતારીને તેના નાના ટુકડા કરી લો. સ્ટ્રોબેરીના ડીંટા દૂર કરીને તેને પણ નાના ટુકડામાં કાપી લો. કાપેલા ફળોને મિક્સર જારમાં ઉમેરીને હળવા ક્રશ કરી લો. જો તમને સ્મૂધ જામ પસંદ હોય તો ફળોની એકદમ ઝીણી પ્યુરી બનાવી શકો છો. હવે એક જાડા તળિયા વાળી કઢાઈ કે પેનમાં ફ્રૂટ પ્યુરી ઉમેરીને મધ્યમ આંચ પર પકવવાનું શરૂ કરો. મિશ્રણ થોડું ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

મિશ્રણને સતત હલાવતા રહો જેથી તે પેનના તળિયે ચોંટી ન જાય. ધીમે ધીમે ફળોનું પાણી સૂકાવા લાગશે અને મિશ્રણ ઘાટું થવા લાગશે. જામ ઘાટો થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરો. લીંબુનો રસ સ્વાદને સંતુલિત કરે છે અને જામને સરસ ટેક્સચર આપે છે. જો ચટાકેદાર સ્વાદ પસંદ હોય તો આ તબક્કે થોડો ચાટ મસાલો કે તજ પાવડર ઉમેરી શકો છો. જામ ઠંડો થયા પછી વધુ ઘાટો થાય છે, તેથી તેને વધુ પડતો ન પકવવો. જામ તૈયાર છે કે નહીં તે ચકાસવા માટે એક પ્લેટ પર થોડો જામ મૂકીને પ્લેટને નમાવો. જો જામ પાણીની જેમ વહી ન જાય પરંતુ ધીમેથી આગળ વધે, તો ગેસ બંધ કરી દો અને તેને ઠંડો થવા દો.

  • કેવી રીતે સ્ટોર કરશો?

ઠંડા થયેલા જામને કાચની એકદમ સાફ અને કોરી એરટાઈટ બરણીમાં ભરી દો. બરણીમાં સહેજ પણ ભેજ હોવો જોઈએ નહીં. આ હોમમેઇડ જામમાં પ્રિઝર્વેટિવ્સ ન હોવાથી તેને ફ્રિજમાં રાખવો વધુ હિતાવહ છે. હવે આ સ્વાદિષ્ટ અને શુદ્ધ મિક્સ્ડ ફ્રૂટ જામને તમે બ્રેડ, પરોઠા કે પેનકેક સાથે પીરસી શકો છો. બાળકોના ટિફિન બોક્સ માટે પણ આ એક ઉત્તમ વિકલ્પ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular