ઢાકા, 14 ઓગસ્ટ 2026: પડોશી દેશ બાંગ્લાદેશમાં ભીષણ ગરમી અને પ્રાકૃતિક ગેસની તીવ્ર અછતના કારણે ગંભીર વીજળી સંકટ સર્જાયું છે. વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જ્યારે પૂરતા ઇંધણના અભાવે પાવર પ્લાન્ટ્સ પોતાની પૂરી ક્ષમતાથી ઉત્પાદન કરી શકતા નથી. પરિણામે, દેશભરમાં વીજળીની માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત સર્જાયો છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વીજળી સંકટની સૌથી માઠી અસર ગ્રામ્ય વિસ્તારો પર પડી રહી છે. અનેક વિસ્તારોમાં રોજ 10 થી 12 કલાક સુધી વીજળી ગુલ રહે છે. જેના કારણે ખેતીથી લઈને નાના કારોબારો, કરિયાણાની દુકાનો, વર્કશોપ અને ઓનલાઇન કામ કરતા યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે. રાત્રે લાંબા સમય સુધી વીજળી ન રહેવાથી બાળકો, વૃદ્ધો અને બિમાર દર્દીઓની મુશ્કેલીઓ અનેકગણી વધી ગઈ છે. અનેક જગ્યાએ રોષે ભરાયેલા લોકો દ્વારા ગ્રામીણ વીજ સુવિધાઓ પર હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલો પણ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગત 11 અને 12 ઓગસ્ટે વીજળીનું સંકટ સૌથી ગંભીર સ્તરે પહોંચ્યું હતું. 11 ઓગસ્ટની અડધી રાત્રે વીજળીની માંગ 17,523 મેગાવોટ હતી, જ્યારે પુરવઠો માત્ર 13,931 મેગાવોટ જ રહ્યો. એટલે કે 3,592 મેગાવોટની ખાધ રહી હતી. આવી જ રીતે પીક અવર્સ (રાત્રે 9 વાગ્યે) વીજળીની માંગ વધીને સર્વોચ્ચ સ્તર 18,043 મેગાવોટ પર પહોંચી ગઈ, જેની સામે 15,036 મેગાવોટ જ પાવર મળી શક્યો અને 3,007 મેગાવોટની તંગી રહી હતી. તેમજ બપોરે 3 વાગ્યે વીજળી કાપનો આંકડો વધીને 3,382 મેગાવોટ સુધી પહોંચી ગયો હતો.
વીજ મથકો અને સબ સ્ટેશનોની સુરક્ષા વધારવા માંગણી
સ્થિતિની ગંભીરતાને જોતાં ‘બાંગ્લાદેશ પલ્લિ વિજ્યુત સમિતિ’ દ્વારા વીજ મથકો, સબ-સ્ટેશનો અને કાર્યાલયોની સુરક્ષા વધારવા માટે પોલીસ મહાનિરીક્ષક પાસે મદદ માંગવામાં આવી છે. આ સમિતિ આશરે 4 કરોડ ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે. બીજી તરફ, રાજ્યના વીજળી, ઉર્જા અને ખનિજ સંસાધન રાજ્ય મંત્રી અનિન્દ્ય ઇસ્લામ અમિતે જણાવ્યું છે કે આ સંકટ ગેસ આધારિત ઉત્પાદનમાં અવરોધના કારણે સર્જાયું છે. પાવર ગ્રીડના આંકડા મુજબ સાંજ પડ્યે તેલ આધારિત પ્લાન્ટ્સ ચાલુ કરવાથી થોડી રાહત મળે છે, પરંતુ રાત્રે પ્લાન્ટ બંધ થતા જ કાપ વધ જાય છે. ઊર્જા નિષ્ણાતોના મતે, જ્યાં સુધી કાયમી ધોરણે ઇંધણની કમી દૂર નહીં થાય ત્યાં સુધી સોલાર એનર્જી જેવા રિન્યુએબલ સેક્ટરમાં મોટું રોકાણ કરવું અનિવાર્ય છે.

