Homeગુજરાતીગુજરાતજીપીએસસીમાં મોટો ફેરફાર: સરકારે ૭ નવા સભ્યો નીમ્યા, ભરતીઓને મળશે વેગ

જીપીએસસીમાં મોટો ફેરફાર: સરકારે ૭ નવા સભ્યો નીમ્યા, ભરતીઓને મળશે વેગ

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)માં રાજ્ય સરકારે વહીવટી સ્તરે મોટો ફેરફાર કર્યો છે. લાંબા સમયથી સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ પર સરકારે એકસાથે ૭ નવા સભ્યોની સત્તાવાર નિમણૂક કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા ભારતીય બંધારણની કલમ ૩૧૬(૧) હેઠળ મળેલ સત્તા મુજબ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં હતું. આ નિમણૂકો થતાં જ આયોગમાં વર્ષોથી અટકેલી ઇન્ટરવ્યૂ અને ભરતી પ્રક્રિયાને હવે ઝડપી ગતિ મળશે.

  • સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, વહીવટી તંત્રના અનુભવી સનદી અધિકારીઓ, ઇજનેરી ક્ષેત્રના નિવૃત્ત નિષ્ણાત અને શિક્ષણવિદનો સમન્વય કરીને આયોગનું નવું બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. બંધારણીય જોગવાઈઓ હેઠળ યોગ્યતા અને વહીવટી અનુભવને ધ્યાને રાખીને આ નામોની પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણયથી આયોગનું માળખું વધુ સુદ્રઢ બન્યું છે.

  • નવા નિમાયેલા ૭ સભ્યોની સત્તાવાર યાદી.

૧. શ્રી કિશોર એલ. બચાણી, IAS (SCS: GJ: 2010)
૨. શ્રી કે. સી. સંપટ, IAS (SCS: GJ: 2012)
૩. શ્રી કે. એસ. વસાવા, પૂર્વ IAS (નિવૃત્ત)
૪. શ્રી મયુર કે. મહેતા, IAS (Selection: GJ: 2014)
૫. શ્રી એચ. જે. પ્રજાપતિ, IAS (SCS: GJ: 2018)
૬. શ્રી દીપકકુમાર અશોકભાઈ રાઠોડ (નિવૃત્ત અધિક્ષક ઇજનેર)
૭. ડૉ. શિશિર મનોહરલાલ ત્રિવેદી (શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત)

  • સભ્યોની ઘટથી પ્રક્રિયા ધીમી પડી હતી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જીપીએસસીમાં લાંબા સમયથી સભ્યોની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાના કારણે કામગીરીનું ભારણ વધ્યું હતું. આયોગના નિયમ મુજબ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવા માટે બોર્ડમાં કમિશનના સભ્યની ઉપસ્થિતિ અનિવાર્ય હોય છે. સભ્યોની અછતને પગલે એકસાથે વધુ ઇન્ટરવ્યૂ બોર્ડ બનાવી શકાતા ન હતા. પરિણામે, મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી.

  • ઉમેદવારો માટે રાહતના સમાચાર

સરકારના આ તાજા નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા રાજ્યના લાખો યુવાનોને સીધો ફાયદો થશે.

મુખ્ય પરીક્ષા પાસ કરી ચૂકેલા જે ઉમેદવારો લાંબા સમયથી ઇન્ટરવ્યૂની તારીખોની રાહ જોઈ રહ્યા હતા, તેમના ઇન્ટરવ્યૂ હવે સમાંતર બોર્ડ રચીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂ તબક્કો ઝડપથી પૂરો થવાથી આખરી પરિણામો અને મેરિટ લિસ્ટ પણ ઝડપથી જાહેર થઈ શકશે.

આયોગ પાસે સભ્યોનું પૂરતું સંખ્યાબળ આવી જતાં વહીવટી કામગીરી સરળ બનશે અને આગામી નવી ભરતી કેલેન્ડર મુજબ પરીક્ષાઓ સમયસર યોજી શકાશે.

વહીવટી અને ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાત સભ્યોની ઉપસ્થિતિથી મૂલ્યાંકન અને પસંદગી પ્રક્રિયા વધુ વિશ્વસનીય અને પારદર્શક બનશે.

આમ, ગુજરાત જાહેર સેવા આયોગમાં ૭ નવા સભ્યોના પદભાર સંભાળ્યા બાદ ભરતી કામગીરીમાં નોંધપાત્ર ઝડપ જોવા મળશે. આ નિર્ણયથી સરકારી સેવામાં જવા ઈચ્છતા યુવા ઉમેદવારોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular