Homeગુજરાતીદેશ-વિદેશદિલમાં એવીબીપી અને ખભે કૉંગ્રેસનો ખેસ, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને મોદીની ચોથી...

દિલમાં એવીબીપી અને ખભે કૉંગ્રેસનો ખેસ, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને મોદીની ચોથી ટર્મની ચિંતા, રાહુલ ગાંધીનું શું થશે?

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર 2026: (હેમંત પરમાર દ્વારા) રાજકારણમાં કહેવત છે કે, રંગ બદલાઈ શકે, પણ મૂળ સ્વભાવ નહીં. તેલંગાણાના મુખ્યમંત્રી અને કૉંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા એ. રેવંત રેડ્ડીએ દેશની રાજધાની દિલ્હીમાં બેસીને એવો બોમ્બ ફોડ્યો છે કે જેનો ધુમાડો સીધો 10, જનપથ અને રાહુલ ગાંધીના કાર્યાલય સુધી પહોંચી ગયો છે. “પ્રતિદિન મીડિયા” દ્વારા આયોજિત “ધ કૉન્ક્લેવ” માં ભાગ લેવા પહોંચેલા રેવંત રેડ્ડી કદાચ ભૂલી ગયા કે તેઓ કૉંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી છે, અથવા તો કદાચ અંદર છુપાયેલો જૂનો સ્વયંસેવક અચાનક બહાર આવી ગયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2029ના સંભવિત ચોથા કાર્યકાળ અંગે પૂછાયેલા પ્રશ્ન પર સલાહ આપતા રેવંત રેડ્ડીએ કહ્યું કે, “ચોથી વાર સત્તા મેળવવા માટે મોદીજીએ લોકોના દિલ જીતવા પડશે. હું આ વાત કોઈ કૉંગ્રેસી તરીકે નહીં, પણ એક પૂર્વ એવીબીપી કાર્યકર્તા તરીકે કહી રહ્યો છું. આ કૉંગ્રેસની ચિંતા નથી, આ દેશની ચિંતા છે.”

કૉંગ્રેસ હાઈકમાન્ડને તો દિવસ-રાત એ ચિંતા કોરી ખાય છે કે મોદીને ત્રીજી ટર્મમાંથી નીચે કેવી રીતે ઉતારવા, અને અહીં તેમના જ પોતાના મુખ્યમંત્રી દિલ્હી દરબારમાં બેસીને મોદી સાહેબને ચોથી વાર પીએમ બનવાની ટિપ્સ આપી રહ્યા છે. આ નિવેદન સાંભળીને કૉંગ્રેસી કાર્યકરો માથું કૂટી રહ્યા હશે કે આ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે કે ભાજપ માટે રસ્તો સાફ થઈ રહ્યો છે?

વન્સ અ સંઘી, ઑલવેઝ અ સંઘી

રેવંત રેડ્ડીનો રાજકીય ઈતિહાસ તપાસીએ તો તેઓ વિદ્યાર્થીકાળમાં એવીબીપીમાં સક્રિય હતા. પછી ટીઆરએસ, ટીડીપી થઈને કૉંગ્રેસમાં પહોંચ્યા અને મુખ્યમંત્રી પણ બની ગયા. પરંતુ કહેવાય છે ને કે, સંઘ અને વિદ્યાર્થી પરિષદની તાલીમ ગમે તેટલા ગંગાજળ છાંટો તોય ભૂંસાતી નથી. દિલ્હીના મંચ પરથી જાહેરમાં “હું એક એવીબીપી કાર્યકર્તા તરીકે બોલું છું.” એવું બોલવા માટે જે છાતી જોઈએ, તે કદાચ ભાજપના પોતાના મુખ્યમંત્રીઓ પણ આજે જાહેરમાં નથી બતાવતા. રેવંત રેડ્ડીએ સાબિત કરી દીધું કે શરીર કદાચ કૉંગ્રેસ પાસે છે, પણ આત્મા તો આજેય કેસરિયો જ છે.

મોદીની ચોથી ટર્મ સ્વીકારી જ લીધી?

રેવંત રેડ્ડીના નિવેદનમાં જ છુપાયેલું છે કે તેઓ પોતે માની ચૂક્યા છે કે મોદીજી ચોથી વાર પણ સત્તાના પ્રબળ દાવેદાર છે. કૉંગ્રેસ પક્ષ 2024 પછી બણગાં ફૂંકતો હતો કે કેન્દ્ર સરકાર ગમે ત્યારે પડી જશે, પણ તેમના જ મુખ્યમંત્રી 2029 પછીની ચોથી ટર્મની ચિંતામાં દુબળા થઈ રહ્યા છે. રેવંત રેડ્ડી કહે છે કે “આ કૉંગ્રેસની ચિંતા નથી” તો, કૉંગ્રેસની ચિંતા છે શું? શું કૉંગ્રેસને દેશ કે ચૂંટણી જીતવા સાથે કોઈ લેવાદેવા જ નથી રહી?

રાહુલ ગાંધીની મોહબ્બત કી દુકાન પર તાળું?

આ આખા પ્રકરણમાં સૌથી દયાજનક સ્થિતિ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની થઈ છે. રાહુલ ગાંધી દેશભરમાં મોહબ્બત કી દુકાન ખોલીને બંધારણ બચાવવાની યાત્રાઓ કરી રહ્યા છે, મોદી સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યા છે અને બીજી તરફ તેમના જ મુખ્યમંત્રી જાહેરમાં મોદીજીને દિલ જીતીને ચોથી વાર સત્તામાં આવવાની શિખામણ આપી રહ્યા છે. જો પોતાના જ મુખ્યમંત્રીઓ મોદીજીને ચોથી વાર પીએમ બનતા જોવા આતુર હોય, તો પછી રાહુલ ગાંધી કયા જન્મે વડાપ્રધાન બનશે? શું રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય માત્ર વિપક્ષના કાયમી નેતા બની રહેવા પૂરતું જ સીમિત રહી જશે?

કૉંગ્રેસ માટે આનાથી મોટી રાજકીય કટોકટી બીજી કઈ હોઈ શકે કે જેને તેઓ દક્ષિણ ભારતમાં પોતાનો સૌથી મોટો ચહેરો માનતા હતા, તે જ નેતા અંદરખાને સંઘના જૂના પ્રેમને યાદ કરીને ગદગદ થઈ રહ્યા છે. ભાજપને તો કદાચ હવે દક્ષિણમાં પ્રચાર કરવાની જરૂર પણ નહીં પડે, જ્યાં સુધી રેવંત રેડ્ડી જેવા એવીબીપીના જૂના સાથીઓ કૉંગ્રેસના મુખ્યમંત્રી તરીકે બિરાજમાન છે, ત્યાં સુધી મોદીજીને બહારના કોઈ શત્રુની નહીં, પણ અંદરના શુભચિંતકોની જ જરૂર છે.

વધુ વાંચો: જીપીએસસીમાં મોટો ફેરફાર: સરકારે ૭ નવા સભ્યો નીમ્યા, ભરતીઓને મળશે વેગ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular