આણંદ, 5 ઑક્ટોબર, 2026 – Anand Agricultural University. ટ્રાયબલ સબ પ્લાન (ટીએસપી) યોજના અંતર્ગત જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ તથા ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે કૃષિ ઇજનેરી પોલીટેકનિક, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે “જીવાતોનાં જૈવિક નિયંત્રણ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં લિમખેડા, ઝાલોદ અને દાહોદ તાલુકાના ૧૦૦ જેટલા ખેડૂત ભાઇઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. જે.બી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ તેમના ઉદ્દબોધનમાં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી અપનાવવા અને કુદરતમાં રહેલ પરજીવી, પરભક્ષી અને સૂક્ષ્મ રોગકારકો આધારિત નિયંત્રણ પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કરી જણાવેલ કે, જૈવિક નિયંત્રણ દ્વારા પાકની ગુણવત્તા સુધરે છે, ખેતી ખર્ચ ઘટે છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે.
ડૉ. વી.જે. પટેલ, સહ સંશોધન નિયામકશ્રીએ જણાવેલ કે, દ્વારા જૈવિક નિયંત્રણથી રાસાયણિક કીટનાશકો પરની નિર્ભરતા ઘટાડીને કુદરતી મિત્રકીટકોનું સંરક્ષણ કરી પર્યાવરણનું સંતુલન જાળવી શકાય છે અને પાકમાં કીટનાશકના અવશેષો ઘટાડવામાં પણ જૈવિક નિયંત્રણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
ડૉ. એન.બી. પટેલ, મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક દ્વારા ટ્રાયબલ સબ પ્લાન યોજના તથા વિવિધ પાકોમાં જીવાતોના જૈવિક નિયંત્રણ અંગે ઉપયોગી માહિતી, ડૉ. ડી.બી. સિસોદિયા, પ્રાધ્યાપક અને વડા (કીટકશાસ્ત્ર) દ્વારા શિયાળુ પાકોમાં જીવાતોના સંકલિત વ્યવસ્થાપન જ્યારે, ડૉ. આર.જી. પરમાર, પ્રાધ્યાપક અને વડા (વનસ્પતિ રોગશાસ્ત્ર) દ્વારા શિયાળુ પાકોમાં રોગોના સંકલિત નિયંત્રણ અંગે અને ડૉ. જૈના વી. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને જીવાત અને રોગ નિયંત્રણમાં વિવિધ જૈવિક કીટનાશકોના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવેલ.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. બી. જે. સંગાડા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા ફાયદાઓ જણાવવામાં આવ્યા અને તેના વિવિધ આયામો વિષેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. જૈના પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત રહેલા તમામ ખેડૂત ભાઇઓ અને બહેનોને કીટનાશકના છંટકાવ માટે સ્પ્રેયર પંપ, પીપીઇ કીટ, ફેરોમોન ટ્રેપ, યલો સ્ટ્રીકી ટ્રેપ, બાયો એન.પી.કે. અને જૈવિક કીટનાશક મેટારીઝીયમ એનીસોપ્લી તેમજ જૈવિક નિયંત્રણ સંબંધિત માહિતીપ્રદ પુસ્તિકાઓ પણ આપવામાં આવી હતી, જેથી તેઓ તાલીમ દરમ્યાન પ્રાપ્ત થયેલ જ્ઞાનને વ્યવહારિક રીતે અમલમાં મૂકી શકે.


