નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર 2026: મતદાતા યાદીના વિશેષ ગહન પુનરીક્ષણના મુદ્દે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી દળો દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ગાંધી જયંતી એટલે કે 2 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર અને મુંબઈના શિવાજી પાર્ક ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનોને દિલ્હી અને મુંબઈ પોલીસે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨ ઓક્ટોબરે જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર સામે યોજાનારા વિરોધ પ્રદર્શન માટે હજુ સુધી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ મંડપમાં આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે સોમવારે લોકોને મોટી સંખ્યામાં જંતર-મંતર પહોંચવાની અપીલ કરી હતી. વિપક્ષી પાર્ટીઓ અને અનેક સામાજિક સંગઠનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાવાના હતા, પરંતુ પોલીસની પરવાનગી ન મળતાં હવે પ્રદર્શન સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
બીજી તરફ, મુંબઈ પોલીસે પણ ચૂંટણી પંચ સામે શિવાજી પાર્ક ખાતે ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવાની ના પાડી દીધી છે. પોલીસે હાઈકોર્ટના નિર્દેશો, મહાનગરપાલિકાની મંજૂરીનો અભાવ અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાવાની શક્યતાઓને ટાંકીને પરવાનગી રદ કરી છે. કોકરોચ જનતા પાર્ટીએ SIR માં કથિત ગેરરીતિઓ સામે દેશવ્યાપી આંદોલનની શરૂઆત શિવાજી પાર્કથી કરવાની જાહેરાત કરી હતી. પોલીસના ઈનકાર બાદ, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ 2 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતેથી જ ‘જેલ ભરો આંદોલન’ શરૂ કરવાની નવી ઘોષણા કરી છે.


