નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર 2026: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગેંગસ્ટર સતિંદરજીત સિંહ ઓર્ફે ગોલ્ડી બરાડ સામે અમેરિકાએ કડક કાર્યવાહી કરી છે. અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈએ ગોલ્ડી બરાડને પોતાની ‘ટોપ-10 વોન્ટેડ વોન્ટેડ’ ગુનેગારોની યાદીમાં સામેલ કર્યો છે. આ સાથે જ તેની ધરપકડ સુધી પહોંચાડનારી સચોટ માહિતી આપનાર વ્યક્તિ માટે 10 લાખ યુએસ ડોલર (આશરે રૂ. 8.3 કરોડથી વધુ) ના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
એફબીઆઈના જણાવ્યા અનુસાર, ગોલ્ડી બરાડ લોરેન્સ બિશ્નોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગ્રુપ સાથે સીધો જોડાયેલો છે અને ઉત્તર અમેરિકામાં આ નેટવર્કનું નેતૃત્વ કરી રહ્યો છે. દક્ષિણ કેલિફોર્નિયા ઉપરાંત અમેરિકા અને કેનેડામાં ટાર્ગેટ કિલિંગ, ગોળીબાર, અપહરણ, ખંડણી અને માદક પદાર્થો તથા હથિયારોની તસ્કરી જેવી હિંસક પ્રવૃત્તિઓમાં તેની સીધી ભૂમિકા હોવાનો આક્ષેપ છે. લોસ એન્જેલસની સંઘીય અદાલતમાં તેની સામે રીકો કોન્સપીરેસી અને ડ્રગ્સ સપ્લાય કરવા સહિતના ગંભીર ગુનાઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
એફબીઆઈએ ગોલ્ડી બરાડને અત્યંત હિંસક, હથિયારબંધ અને ખતરનાક ગુનેગાર ગણાવ્યો છે. એજન્સીના રેકોર્ડ મુજબ, એફબીઆઈની આ પ્રતિષ્ઠિત અને કડક મોસ્ટ વોન્ટેડ યાદીમાં સ્થાન પામનાર તે ૫૪૩મો વ્યક્તિ છે. હાલમાં તે કેલિફોર્નિયા અથવા કેનેડાના વિવિધ ભાગોમાં છુપાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એફબીઆઈએ લોકોને અપીલ કરી છે કે તેની કોઈ પણ માહિતી મળે તો સીધો સંપર્ક કરવાના બદલે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને ગુપ્ત રીતે જાણ કરવી.
ભારતીય તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના રેકોર્ડ મુજબ પણ સતવિંદર સિંહ ઓર્ફે ગોલ્ડી બરાડ સામે રૂ. 10 લાખનું ઈનામ જાહેર કરેલું છે. ભારત અને અમેરિકા ઉપરાંત કેનેડિયન એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ ભાગીદારો પણ હવે તેની શોધખોળમાં જોડાતા ગોલ્ડી બરાડ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સિકંજો મજબૂત બન્યો છે.


