અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026 – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પોતાની કાર્યાલયના પરિસરમાં ધ્વજવંદન સમારંભ યોજીને ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
GCCIના પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને મજબૂત, સધ્ધર તથા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભારત બનાવવામાં વેપાર જગતની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે ઇનોવેશન લાવવા, રોજગારી ઊભી કરવા, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ભારતની આંતરિક ક્ષમતાઓને મજબૂત કરવાની સાથે તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવામાં ઉદ્યોગ અને સાહસિકતાની ભૂમિકા વિશે જણાવ્યું હતું.

તેમણે સમાવેશી અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગ, સરકાર અને અન્ય હિસ્સેદારો વચ્ચે વધુ સહયોગની અપીલ કરી હતી, અને ગુજરાતના વેપાર તથા ઉદ્યોગ સમુદાયને ટેકો આપવા તેમજ એક મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના વિઝનમાં યોગદાન આપવા માટે GCCIની પ્રતિબદ્ધતાનો પુનઃઉચ્ચાર કર્યો હતો.
આ સમારંભમાં GCCIના હોદ્દેદારો જેમાં ઉપપ્રમુખ શ્રી હિતેન વસંત, માનદ્ મંત્રી શ્રી નવરોઝ તારાપોર અને માનદ્ ખજાનચી શ્રી ધ્રુવિલ પટેલ તેમજ કારોબારી સમિતિના સભ્યો, સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન સમારંભમાં શાળાના વિદ્યાર્થીઓ પણ વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા, જેણે ઉજવણીમાં દેશભક્તિ અને સહભાગિતાની એક અનોખી ભાવના ઉમેરી હતી. આ અવસરની ઉજવણી કરવા અને રાષ્ટ્રને સન્માનિત કરવા માટે વેપારી સમુદાયના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
આ ઉજવણીએ ગુજરાતમાં જવાબદાર અને પ્રગતિશીલ વેપાર જગતનું વાતાવરણ ઊભું કરવા તેમજ તેના વેપાર અને ઉદ્યોગ સમુદાયના વિકાસને ટેકો આપવાની GCCI ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. આ કાર્યક્રમ એક મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના વિઝનમાં યોગદાન આપવાના નવા સંકલ્પ સાથે પૂરો થયો.

