Homeગુજરાતીગુજરાતસાયબર માફિયાને 6 ટકા કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યુ, સાળા-બનેવી પકડાયા

સાયબર માફિયાને 6 ટકા કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યુ, સાળા-બનેવી પકડાયા

રાજકોટ, 4 ઓક્ટોબર, 2026 :  Bank account rented out to cyber mafia at 6% commission શહેરના સિનિયર સિટિઝન એવા મહિલા તબીબને ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ રૂપિયા 58.50 લાખ પડાવ્યા હતા. આ કેસમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા રૂપિયા અમદાવાદના એકાઉન્ટમાં જમા થયા હોવાથી વિગત મળતા જ પોલીસે અમદાવાદના કારખાનેદાર એવા સાળા-બનેવીને દબોચી લીધા છે. સાળા-બનેવીએ પોતાના બેન્ક એકાઉન્ટ 6 ટકાના કમિશનથી સાયબર માફિયાને ભાડે આપ્યા હતા.પોલીસ તપાસ દરમિયાન 6 દિવસમાં આરોપીઓના એકાઉન્ટમાં રૂ.2.50 કરોડની સાયબર ફ્રોડ રકમ જમા થઇ હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સોસાયટીમાં  રહેતા 82 વર્ષીય નિવૃત્ત તબીબને ગત 21 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં હિન્દી ભાષી સંજયસિંહ નામના શખ્સે મુંબઈના કોલંબા પોલીસ સ્ટેશનના PSI તરીકે ઓળખ આપી જણાવાયું હતું કે, મુંબઈની ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના મેનેજર હિતેશ મહેતાના મની લોન્ડરિંગ કેસમાં રેડ દરમિયાન તેમના નામનું આધાર કાર્ડ તથા એટીએમ કાર્ડ મળી આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરવાની ધમકી આપી, વય મર્યાદાના કારણે તેમને ઘરની બહાર ન નીકળવા એટલે કે ‘હાઉસ અરેસ્ટ’ રહેવા સૂચના આપી હતી. ત્યારબાદ ‘અનિલ સર’ નામના ખાખી વર્ધીધારી ડીસીપી સાથે વીડિયો કોલ કરાવી સતત માનસિક દબાણ ઊભું કર્યું હતું. સાયબર માફિયાઓએ તા. 21થી 30 સપ્ટેમ્બર દરમિયાન રોજના 3થી 4 વીડિયો કોલ કરીને મહિલા તબીબને સતત ભય હેઠળ રાખ્યા હતા. 25ના રોજ આરોપીઓએ મુંબઈ હાઈકોર્ટનો કથિત ઓર્ડર હોવાનું જણાવી તેમના તમામ બેંક એકાઉન્ટ, એફડી અને મ્યુચ્યુઅલ ફંડની માહિતી મેળવી રૂ.21.50 લાખ જમા કરાવવા કહ્યું હતું. જોકે, બેંક મેનેજરની સતર્કતાથી પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરંતુ ઠગોએ ચાલબાજી રચી સિનિયર સિટિઝન પાસે તેમના જ અન્ય ખાતામાં તમામ નાણાં એકત્ર કરાવ્યા હતા. ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ દબાણ કરીને રૂ.58.50 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં મળ્યા બાદ તમામ વોટ્સએપ ચેટ અને ડેટા ડિલિટ કરાવી બે દિવસમાં નાણાં પરત મળવાની ખોટી ખાતરી આપી હતી. બે દિવસ વીતવા છતાં નાણાં પરત ન મળતાં મહિલા તબીબે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને બેંક ખાતાઓની તપાસ હાથ ધરાતા પોલીસે અમદાવાદથી દર્શન રમેશભાઈ મકવાણા અને શુભમ દિલીપભાઈ પરમારને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં પકડાયેલા બંને આરોપી અમદાવાદમાં કારખાનું ધરાવે છે. તેઓએ માત્ર 6 ટકા કમિશન મેળવવાની લાલચે પોતાની કંપનીનું કરંટ એકાઉન્ટ મુખ્ય સાયબર માફિયાઓને ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટમાં સિનિયર સિટિઝન પાસેથી પડાવેલા રૂ.58.50 લાખ જમા કરાવી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. એટલું જ નહિ, પરંતુ તપાસમાં આ જ કરંટ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં દેશભરમાંથી સાયબર ફ્રોડના રૂ.2.50 કરોડ જમા થયા હોવાનો ખુલાસો થયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular