સુરત, 4 ઓક્ટોબર, 2026 : Vigilance squad raids Surat’s Lajpore Jail, 14 mobile phones seized શહેરની લાજપોર મધ્યસ્થ જેલમાં ગાંધીનગરના આદેશથી વિજિલન્સ સ્ક્વોર્ડએ ચેકિંગ કરતા જેલમાંથી 14 મોબાઈલફોન પકડાયા છે. કેટલાક ખૂંખાર ગણાતા કેદીઓની બેરેક નજીકથી સીમકાર્ડ સાથેના મોબાઈલ ફોન મળ્યા છે. એક તરફ જેલ તંત્ર ખતરનાક કેદીઓને સુરક્ષાના કારણોસર અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા કોર્ટમાં ધા નાખી રહ્યું છે, ત્યારે બીજી તરફ ખુદ જેલની અંદરથી જ ખુલ્લેઆમ પ્રતિબંધિત ફોન અને સિમકાર્ડ મળી આવતા વિજિલન્સ સ્ક્વોર્ડ પણ ચોંકી ઊઠી હતી.
રાજ્યના પોલીસ મહાનિદેશક (જેલ અને સુધારાત્મક વહીવટ)ના આદેશ બાદ વિજિલન્સ જડતી સ્ક્વોર્ડે મોડીરાત્રે સુરતની લાજપોર મધ્યસ્થ જેલ કેમ્પસમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. અમદાવાદથી આવેલી સ્ક્વોર્ડના જેલર દેવશીભાઈ કરંગીયા અને તેમની ટીમે વિવિધ બેરેકોની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. વિજિલન્સ ટીમ અંદર પહોંચતા જ સ્થાનિક જેલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી અને તેઓ પણ તાબડતોબ ચેકિંગમાં જોતરાઈ ગયા હતા, જે દરમિયાન તેમને પણ અંદરથી 3 મોબાઈલ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ડીજી વિજિલન્સની આ રેડમાં સ્થાનિક સબજેલના અધિકારીઓ સાવ ઊંઘતા ઝડપાયા હતા.
વિજિલન્સની જડતી દરમિયાન જેલની અંદરથી જે રીતે છુપાવેલા મોબાઈલ મળ્યા તે ચોંકાવનારું છે. યાર્ડ નંબર સી-8 ની બેરેક-1 ના બાથરૂમમાં ડોલ નીચે પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળી રાખેલા નોકિયા અને કેચોડા કંપનીના ફોન મળી આવ્યા હતા. જ્યારે વોશબેસિન બહાર ચાર્જિંગમાં મુકેલા ફોન પણ કબજે લેવાયા હતા. આ ઉપરાંત બેરેકમાં બંધ કાચા કામના આરોપી રમાકાંત ઉર્ફે ભોલા ગહેજુ રઈદાસની અંગજડતી લેવાતા તેના પહેરેલા પેન્ટના જમણા ખિસ્સામાંથી મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન ચાલુ હાલતમાં મળી આવ્યો હતો. આ સિવાય યાર્ડ સી-3 અને યાર્ડ સી-11 ની બેરેકોમાંથી શૌચાલયના દરવાજા પાછળથી તેમજ પ્લાસ્ટિકના ડબ્બા નીચે છુપાવેલા ફોન જપ્ત કરાયા હતા. મોટાભાગના મોબાઈલમાં VI અને BSNL કંપનીના ચાલુ સિમકાર્ડ મળી આવ્યા હતા, જ્યારે કેટલાક ફોનમાં પાસવર્ડ લોક હોવાથી તેની વિગતો તાત્કાલિક ખુલી શકી નહોતી. સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ-223 તેમજ પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45 ની પેટા કલમ 12 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની ધોરણસર તપાસ આદરી દેવામાં આવી છે.


