નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2026: NALSAR controversy સુપ્રીમ કોર્ટે NALSAR યુનિવર્સિટીના વિવાદ અંગે અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિવેદન આપ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) ને આ બાબતમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી.
CJI સૂર્ય કાંતે BCIના તે પરિપત્ર અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં NALSAR લૉ યુનિવર્સિટીની 2026ની બેચના વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી કરાવતા અટકાવવામાં આવ્યા હતા. CJIએ કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે આ બાબત તેમના અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદ સાથે સંબંધિત છે અને BCI જેવી બાહ્ય સંસ્થાઓ તેમાં દખલગીરી કરનાર કોણ છે.
સુપ્રીમ કોર્ટે BCI પાસેથી જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે આ મામલે BCI પાસેથી જવાબ માંગ્યો છે. આ ઉપરાંત, કોર્ટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે કે NALSARના કોઈપણ વિદ્યાર્થી કે પ્રોફેસર સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવે.
BCI ના આદેશ વિશે જાણોએ નોંધવું ઘટે કે ‘બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’ (BCI) જે કાનૂની શિક્ષણનું નિયમન કરે છે અને વકીલોનું ભવિષ્ય નક્કી કરે છે તેણે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો જેનાથી દેશભરના કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
BCIએ તમામ રાજ્યોની બાર કાઉન્સિલને નિર્દેશ આપ્યો હતો કે તેઓ હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીના સ્નાતકોની વકીલ તરીકે નોંધણી ન કરે. જોકે, ભારે વિરોધ અને સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, BCIને માત્ર થોડા જ કલાકોમાં આ આદેશ પાછો ખેંચવાની ફરજ પડી હતી.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય ન્યાયાધીશની સહભાગિતાનો વિરોધ કરતું અભિયાન શરૂ કર્યું. આ વિરોધ બાદ, BCIએ આ મામલે તપાસનો આદેશ આપ્યો અને વિદ્યાર્થીઓના પ્રવેશને સ્થગિત કરતો એક કઠોર નિર્દેશ જારી કર્યો.

