Homeગુજરાતી'વિભાજનની ભયાનકતા સ્મૃતિ દિવસ' નિમિત્તે વડાપ્રધાન, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ વિભાજનના પીડિતોને...

‘વિભાજનની ભયાનકતા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વડાપ્રધાન, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2026: Partition Horrors Remembrance Day ‘વિભાજનની ભયાનકતા સ્મૃતિ દિવસ’ નિમિત્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાજનથી પ્રભાવિત થયેલા તમામ લોકોના સાહસને નમન કર્યા. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આપણે વિભાજનથી અસરગ્રસ્ત તમામ લોકોના સાહસને યાદ કરીએ છીએ, ઇતિહાસની એ ઘટના જેણે અસંખ્ય જીવન વેરવિખેર કરી નાખ્યાં, સ્વજનોને છીનવી લીધા અને અસહ્ય વેદના પહોંચાડી. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ દિવસ દેશમાં સૌહાર્દ અને ભાઈચારાને જાળવી રાખવાના આપણા સંકલ્પને વધુ દ્રઢ બનાવશે અને આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની દિશામાં આગળ વધીશું.

વડાપ્રધાન મોદી

વડાપ્રધાને એક સંસ્કૃત સુભાષિત પણ ટાંકીને તે તમામ દેશવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમણે દેશના ભાગલાના અત્યંત કઠિન સમયગાળામાંથી બહાર આવીને રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમણે પોતાના સાહસ અને મનોબળ દ્વારા એ સાબિત કરી બતાવ્યું કે પ્રતિકૂળ સંજોગોમાં પણ સંકલ્પોને સાકાર કરી શકાય છે.

ગૃહમંત્રી અમિત શાહ

‘વિભાજનની ભયાનકતા સ્મૃતિ દિવસ’ (Partition Horrors Remembrance Day) નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિભાજન દરમિયાન જીવ ગુમાવનારાઓ અને અત્યાચારો સામે સંઘર્ષ કરનારાઓ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે 14 ઓગસ્ટ, 1947નો દિવસ ઇતિહાસના સૌથી ક્રૂર અધ્યાયોમાંના એકનો સાક્ષી છે, જે દરમિયાન લાખો લોકોએ જીવ ગુમાવ્યા અને અમાનવીય યાતનાઓ સહન કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે કરોડો લોકોને તેમના ઘર, સંપત્તિ અને સ્વજનોને પાછળ છોડીને વિસ્થાપનનો સામનો કરવાની ફરજ પડી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે ‘વિભાજનની ભયાનકતાની સ્મૃતિ દિવસ’ (Partition Horrors Remembrance Day) નિમિત્તે મોદી સરકાર આ કરુણાંતિકાની સ્મૃતિઓ યુવાનો સુધી પહોંચાડી રહી છે, જેથી દેશને ફરીથી વિભાજિત કરવાનો પ્રયાસ કરતી શક્તિઓ ક્યારેય સફળ ન થઈ શકે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ દિવસ ભારતનાં વિભાજનની તે કરુણતાની યાદ અપાવે છે, જેણે લાખો પરિવારોનાં જીવનને ગહન શોક, વિસ્થાપન અને અનિશ્ચિતતાથી ભરી દીધાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે આ દિવસ અસંખ્ય એવા લોકોના સંઘર્ષ, સાહસ, બલિદાન અને અડગ મનોબળનું પણ સ્મરણ કરાવે છે, જેમણે પોતાના ઘર, પરિવાર, સંપત્તિ અને સ્વજનો ગુમાવ્યા હોવા છતાં, પોતાના જીવનનું પુનઃનિર્માણ કરવાની દ્રઢતા દર્શાવી હતી.

વધુ વાંચો: કુખ્યાત ડ્રગ માફિયા વીરેન્દ્ર સિંહ બસોયાને UAEથી ભારત લાવવામાં આવ્યો

સંબંધિત લેખો

Most Popular