અમદાવાદ, 30 સપ્ટેમ્બર, 2026 : Zero Fatality District, safety workshop held to reduce road accidents શહેરમાં માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુમાં ઘટાડો કરી શહેરને “Zero Fatality District (ZFD)” બનાવવા માટે મંગળવારે સ્પીપા, અમદાવાદ ખાતે એક દિવસીય “Zero-Fatality District – Orientation and Implementation Workshop”**નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા રોડ સેફ્ટી કમિશનરની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. વર્કશોપનું આયોજન ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GRSA), અમદાવાદ શહેર તથા Save LIFE Foundationના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના એજન્ડા મુજબ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય તથા અન્ય સંસ્થાઓના સહયોગ સાથે ZFD અભિગમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં થતાં માર્ગ અકસ્માતો અને તેમાં થતાં મૃત્યુ ઘટાડવા માટે અમદાવાદ શહેર પોલીસ તથા AMC દ્વારા સંયુક્ત રીતે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને તેના આધારે જરૂરી માર્ગ સલામતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો તથા રાહદારીઓની માર્ગ સલામતી માટે તમામ સંબંધિત વિભાગો અને હિતધારકો સાથે મળીને સંકલિત પ્રયાસો કરવામાં આવે તો માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં રોડ સેફ્ટી કમિશનર સતીશ એ. પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે દરેક સંબંધિત અધિકારીને સંવેદનશીલતા અને જવાબદારી સાથે કામગીરી કરવા તથા તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવી ડેટા આધારિત, પરિણામલક્ષી અને સંકલિત માર્ગ સલામતી કામગીરી હાથ ધરવી જોઈએ.
આ વર્કશોપમાં પોલીસ, આર.ટી.ઓ., અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), AMTS-BRTS, GSRTC, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, GVK 108 તથા નેશનલ હાઈવે સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ અકસ્માતોના મૂળ કારણોનું વિશ્લેષણ કરી અકસ્માતો અને તેમાં થતાં મૃત્યુ ઘટાડવા માટે વિવિધ વિભાગો દ્વારા સંકલિત રીતે કામગીરી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
“Zero Fatality District” અભિગમ અંતર્ગત અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને ઘટાડવા માટે Engineering, Enforcement, Education અને Emergency Services – 4Eના સંકલિત અભિગમ સાથે તમામ સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત અને સતત કામગીરી હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


