અમદાવાદ, 1 ઓક્ટોબર 2026: ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક રસપ્રદ અને પારિવારિક ફિલ્મ ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. સુગંધમ એન્ટરટેઈનમેન્ટ નિર્મિત આગામી ગુજરાતી ફિલ્મ ‘આજ થી રવિવાર તારો’નું શૂટિંગ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ વર્ષ 2027માં સિનેમાઘરોમાં રજૂ કરવા માટે સજ્જ થઈ રહી છે. જાણીતા કલાકાર અને નિર્માતા સૌરભ મોહતા દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મનું નિર્દેશન પ્રતિભાશાળી એવોર્ડ વિજેતા ડાયરેક્ટર રવિન્દ્રનાથ પિલ્લાઈએ કર્યું છે, જ્યારે તેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સુમન ચેલાણી છે.

આ ફિલ્મ કૌટુંબિક ડ્રામા, ઊંડી લાગણીઓ અને મનોરંજનથી સભર છે, જે દર્શકોને સિનેમા હોલ સુધી ખેંચી લાવવા માટે સક્ષમ બની રહેશે. ફિલ્મમાં ગુજરાતના જાણીતા કલાકારોની મોટી સ્ટાર કાસ્ટ જોવા મળશે. જેમાં પ્રિયર્શી ખ્રિસ્તી, સમીર મકવાણા, ભવ્યા અખાણી, ઝંકાર ત્રિવેદી, ભાવેશ નાયક, ઝિમ્મી દરજી, શ્વેતા શર્મા, બ્રિજેશ પાલા, શોભના કાકડિયા, પૂનમ પટાદિયા અને રાજ પ્રજાપતિ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં પોતાની અભિનય પ્રતિભાના રંગ વિખેરશે. નિર્માતા સૌરભ મોહતાએ શૂટિંગ પૂરું થવા પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ટેકનિકલ ટીમના અદભુત સહયોગને કારણે શૂટિંગ ખૂબ જ સુંદર રીતે અને સમયસર પૂરું થયું છે. શૂટિંગનો આખો પ્રવાસ ખૂબ જ શાનદાર રહ્યો છે અને તમામ કલાકારો વચ્ચેની અદભુત કેમિસ્ટ્રી તેમજ તેમની સખત મહેનત મોટા પડદા પર સ્પષ્ટપણે જોવા મળશે.
- ટૂંક સમયમાં ટ્રેલર અને મ્યુઝિક થશે રિલીઝ
શૂટિંગ પૂર્ણ થયા બાદ હવે ફિલ્મ સત્તાવાર રીતે પોસ્ટ-પ્રોડક્શનના તબક્કામાં પ્રવેશી ચૂકી છે. અનોખા શીર્ષક અને આકર્ષક સ્ટાર કાસ્ટ ધરાવતી આ પારિવારિક ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. મેકર્સને પૂરો ભરોસો છે કે વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા જે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, તેમાં ‘આજ થી રવિવાર તારો’ દર્શકોના દિલ જીતવામાં ચોક્કસપણે સફળ રહેશે અને થિયેટરોમાં ઉત્સાહસભર માહોલ ઊભો કરશે.


