વડોદરા, 21 નવેમ્બર, 2026 : Biker dies after being hit by truck on Ahmedabad-Mumbai National Highway રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ટ્રક અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. સુરત નજીક રહેતા રઘુભાઈ ગાંડાભાઈ ભરવાડ (ઉં.વ. 67) બુલેટ બાઈક પર વડોદરા આવી રહ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે પર ધનિયાવી ચોકડી નજીક ટ્રકે ટક્કર મારતા બુલેટના ચાલક રઘુભાઈ ભરવાડ રોડ પર પટકાતા ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અને ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર વડોદરા નજીક ધનિયાવી ચોકડી પાસે ટ્રકની અડફેટે બુલેટ બાઈકના ચાલક રઘુભાઈ ભરવાડનું મોત નિપજ્યું હતુ. રઘુભાઈ ભરવાડ સુરતના સાયણથી બુલેટ લઈને વડોદરા પોતાની દીકરીને મળવા માટે વડોદરા આવી રહ્યા હતા. ત્યારે ધનિયાવી ચોકડી પાસે પહોંચતાં ટ્રક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બુલેટસવાર રઘુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ અને કપુરાઈ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રઘુભાઈના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતક રઘુભાઈ ગાંડાભાઈ ભરવાડ (ઉં.વ. 67) મૂળ ધંધુકાના વતની હતા, પરંતુ લાંબા સમયથી સુરત જિલ્લાના સાયણ ખાતે પરિવાર સાથે સ્થાયી થયા હતા. તેઓ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પરિવારમાં તેમને બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. સુરતથી રઘુભાઈ પોતાની દીકરીને મળવા વડોદરા આવી રહ્યા હતા ત્યારે જ ધાનિયાવી ચોકડી પાસે અકસ્માતમાં મોત નિપજ્યું હતું. દીકરીને મળવા માટે નીકળેલા પિતાની આ સફર અંતિમ સફર બની રહેતાં પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે.








