અમદાવાદ, 21 નવેમ્બર, 2026 : Two men posing as fake policemen looted Rs 9,000 શહેરના સરસપુર વિસ્તારમાં આંબલીવાડ પાસે રહેતા 60 વર્ષિય મનીષ જાની મોડી રાત્રે ઘર નજીક આવેલી મહાવીર એસન્સ નામની દુકાનના ઓટલે પોતાના મિત્ર મહેન્દ્ર પામેલા સાથે બેઠા હતા ત્યારે પોલીસના સ્વાંગમાં બે શખસો રિક્ષામાં આવ્યા હતા. રિક્ષાની પાછળની સીટ પર બેઠેલા શખસે નીચે ઉતરીને અમે પોલીસ છીએ તમે અહીં કેમ બેઠા છો તેમ કહી પૂછપરછ શરૂ કરી હતી. અને ગાંજા અને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તપાસીને રૂ. 9 હજાર લૂંટી બન્ને શખસો ફરાર થઇ ગયા હતા. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સરસપુરના આંબલીવાડ પાસે રહેતા 60 વર્ષીય મનીષકુમાર જાની રિક્ષા ચલાવે છે. ગત 7 નવેમ્બરે રાત્રે જમીને પોતાના ઘરની બહાર સરસપુર ચાર રસ્તા નજીક આવેલી મહાવીર એસન્સ નામની દુકાનના ઓટલા પર મિત્ર મહેન્દ્ર પોમલા સાથે બેઠા હતા. દરમિયાન એક રિક્ષામાં બે અજાણ્યા શખસો પોલીસના સ્વાંગમાં આવ્યા હતા. રિક્ષાની પાછળની સીટ પર બેઠેલા શખસે નીચે ઉતરીને હું પોલીસ છું તમે અહીં કેમ બેઠા છો તેમ કહી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ તમે દારૂ પીધેલો છે અને તમારી પાસે ગાંજો છે તેવી ધમકી આપીને મનિષકુમારની તલાશી લઈને તેના પેન્ટ અને શર્ટના ખિસ્સામાંથી રૂ. 5 હજાર લઈ લીધા હતા. ત્યારબાદ મિત્ર મહેન્દ્ર પોમલાને પણ ધમકાવીને તેની તલાશી લઈ રૂ. 4 હજાર બળજબરીથી પડાવી લીધા હતા. ત્યારબાદ બંનેને પોલીસની ગાડી આવે છે તેમાં બેસી પોલીસ ચોકી આવો તેમ કહી રિક્ષામાં બેસી ફરાર થઇ ગયા હતા.
આ ઘટના બાદ બંનેને અહેસાસ થયો કે આ કોઈ અસલી પોલીસ નહીં, પરંતુ પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી અને લૂંટ કરનારા શખ્સો છે. તેમણે તાત્કાલિક 112 પર ફોન કરતા પોલીસ વાન આવી પહોંચી હતી અને તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. આ અંગે મનીષકુમારે બંને અજાણ્યા શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








