જુનાગઢ, 21 નવેમ્બર, 2026 : Girnar’s ‘Green Parikrama’ ગરવી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ગત રાત્રિથી જ હજારોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટી ખાતે ઉમટી પડ્યા હતા. ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધતા અને ભીડનું દબાણ સર્જાતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મહત્વનો નિર્ણય લઈ પરિક્રમાના પ્રવેશદ્વાર એવા ઇટવા ગેટને શુક્રવારે વહેલી સવારે છ વાગ્યે જ ભાવિકો માટે ખુલ્લો મૂકી દેવાયો હતો.
ગિરનારની 5 દિવસીય લીલી પરિક્રમા માટે સવારે છ વાગ્યે ગેટ ખુલતાની સાથે જ રાત્રિના સમયથી રાહ જોઈને બેઠેલા હજારો પરિક્રમાર્થીઓમાં આનંદની લહેર ફરી વળી હતી. અને ‘જય ગિરનારી’ના ગગનભેદી નાદ સાથે ભક્તોએ પરિક્રમાના રૂટ તરફ પ્રયાણ કર્યું હતું. ભવનાથ તળેટીમાં બહુ મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓમાંથી ઘણા પરિક્રમાર્થીઓ સીધા ગિરનાર પર્વતના પગથિયાં ચડીને પર્વત ઉપર પહોંચ્યા હતા. ગિરનાર પર્વત પર આવેલા સુપ્રસિદ્ધ માઁ અંબાજી મંદિર પરિસર ખાતે આજે વહેલી સવારથી જ હૈયે હૈયું દળાય તેટલી વિશાળ માનવમેદની જોવા મળી રહી છે. પર્વત પર પહોંચેલા શ્રદ્ધાળુઓએ અત્યંત શ્રદ્ધાપૂર્વક માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો આગળ વધીને ભગવાન દત્તાત્રેયના શિખર પર પણ દર્શનાર્થે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર ગિરનાર પર્વત ભક્તિના રંગે રંગાઈ ગયો છે.
રાજ્યભરમાંથી અને દેશના અન્ય ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓના કારણે જૂનાગઢના માર્ગો અને તળેટી વિસ્તાર ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ વહેલી સવારથી ગેટ ખોલવામાં આવ્યા બાદ સમગ્ર રૂટ પર અને મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ ભીડ નિયંત્રણ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.








