અમદાવાદ, 15 ઓગસ્ટ 2026 : 8 accused arrested for harassing women using fake profiles on social media. સોશિયલ મીડિયા પર કેટલાક તત્વો દ્વારા મહિલાઓની હેરાગતિ કરવામાં આવતી હોય છે. મહિલાના નામની ફેક પ્રોફાઈલ બનાવીને પરેશાન કરવામાં આવતી હોય છે. ઘણા કિસ્સામાં મહિલાઓ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવતી નથી. હવે સાયબર ક્રાઈમ બ્રાન્ચે સાયબર સ્ટોકિંગ અને ફેક પ્રોફાઇલ મારફતે માનસિક ત્રાસ આપતા તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. “મિશન સાયબર રક્ષિકા” અને “સિક્યોર હર સ્પેસ” અભિયાન અંતર્ગત 1 મહિલા સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસોમાં અત્યાર સુધી 11 જેટલી FIR નોંધવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં મહિલાઓને પરેશાન કરતા તત્વો સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સક્રિય બની છે. સાયબર ક્રાઇમ બ્રાંચને વિવિધ મહિલાઓ તરફથી ફરિયાદો મળી હતી કે, અજાણ્યા લોકો તેમના નામે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી રહ્યા છે તેમજ અશ્લીલ વીડિયો, ઓડિયો અને વાંધાજનક મેસેજ મોકલી ઓનલાઇન હેરાનગતિ કરી રહ્યા છે. ફરિયાદો મળ્યા બાદ મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા પીડિતાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેમની ઓળખ ગુપ્ત રાખીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળેલી માહિતીનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ ટીમો બનાવી અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને રાજસ્થાન સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 8 આરોપીઓને શોધી કાઢી તેમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં ખાસ કરીને સુરેશ પુરી અને કેયુર લક્કડના નામ સામે આવ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે સુરેશ પુરીએ છેલ્લા 6 મહિનામાં 10 જેટલી ફેક આઈડી બનાવી આશરે 300 મહિલાઓને અશ્લીલ ફોટા, વીડિયો, ઓડિયો અને વાંધાજનક મેસેજ મોકલ્યા હતા. જ્યારે કેયુર લક્કડે મહિલાઓના નામે 8 ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી જાહેર પ્રોફાઇલ ધરાવતી મહિલાઓની મહિલા મિત્રોને સંપર્ક કરી હેરાનગતિ આચરી હતી.
સાયબર ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક આરોપીઓ મહિલાઓને બ્લેકમેલ કરી પૈસાની ઉઘરાણી કરવાનો પ્રયાસ પણ કરતા હતા. તપાસ દરમિયાન બે આરોપીઓ વિકૃત માનસિકતા ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે વાંધાજનક પોસ્ટ અને ફેક એકાઉન્ટ્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે મહિલાઓ માટે સુરક્ષિત અને વિશ્વસનીય ઓનલાઇન વાતાવરણ ઉભું કરવાના હેતુથી આ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓ સામેના સાયબર ગુનાઓમાં ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે

